સાયલાવાળા શખ્સની શોધખોળ: કુવા-રસ્તામાં બ્લાસ્ટીંગ માટે ઉપયોગ કરતી હોવાની કબુલાત
વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાંથી ગેરકાયદે એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન રાખવામા આવતો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી, જેના આધારે રેડ કરવામાં આવી હતી;

ત્યારે એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન સાથે એક શખ્સ મળી આવ્યો હતો. તેની પાસેથી 1,08,525 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે અને તેની પાસેથી એક શખ્સનું નામ સામે આવ્યું છે, જેથી કરીને બંને શખ્સોની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબી જીલ્લામાં ગેરકાયદે એકસપ્લોઝીવ જથ્થાની હેરફેર તેમજ તેનો અનઅધિકૃત રીતે થતો ઉપયોગ રોકવા માટે એસપી રાહુલ ત્રિપાઠી તરફથી સૂચના આપવામાં આવી છે, જેના આધારે એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે; ત્યારે શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમભાઇ ફુગસીયા, સંજયભાઇ રાઠોડને ખાનગી રાહે હકિકત મળી હતી. જેના આધારે વાંકાનેર તાલુકાનાં તરકીયા ગામની સીમમાં રેડ કરી હતી.

ત્યારે એક શખ્સ તેના ટ્રેક્ટરમાં ગેરકાયદેસર રીતે એકસપ્લોઝીવ પદાર્થ રાખી જતો હતો અને આ શખ્સ કુવા અને રસ્તાઓમાં એકસપ્લોઝીવ બ્લાસ્ટીંગનું કામ કરવા માટે તેનો ગેરકાયદે ઉપયોગ કરતો હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે હાલમાં આરોપી વનરાજભાઇ બેચરભાઇ હડાણી જાતે કોળી (20) રહે. અદેપર તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચંદ્રસિંહ પ્રતાપસિંહ ચૌહાણ રહે. ભાડુકા તાલુકો સાયલાવાળાનું નામ સામે આવ્યું છે.

હાલમાં પકડાયેલા શખ્સની પાસેથી પોલીસે એમ્યુલસન એકસપ્લોઝીવ ટોટા 121 નંગ જેની કિંમત 1815, ડીટાનેટર કેપો ચળકતી ધાતુની 33 નંગ જેની કિંમત 660, વાયર, ટેકટર નંબર જીજે 13 બી 5525 જેની કિંમત 50000, કમ્પ્રેસર મશીન જેની કિંમત 50000 અને 5000 નો એક મોબાઇલ આમ કુલ મળીને 1,08,525 નો મુદામાલ કબજે કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં એકસપ્લોઝીવ એક્ટની ધારા તળે ગુનો નોધાવવામાં આવેલ છે. જે આરોપીનું નામ સામે આવ્યું છે, તેને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.