વાંકાનેર અને ટંકારા વિધાનસભાની મતગણના માટે મોરબી કલેકટર પાસેથી સ્ટાફની માંગણી કરાઇ
લોકસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ હવે વહીવટી તંત્ર મતગણતરીની તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે રાજકોટ સંસદીય બેઠકની મતગણતરી માટે જિલ્લા કલેકટરે 1200 કર્મચારીઓના સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે જ્યારે વાંકાનેર અને ટંકારા વિધાનસભા બેઠકની મતગણતયરી માટે મોરબી કલેકટર પાસેથી સ્ટાફની માંગણી કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં 7મી મેના રોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયા બાદ ઈવીએમ મશીનો કાલાવડ રોડ પર કણકોટ નજીક આવેલ ગર્વમેન્ટ એન્જિનીયરીંગ કોલેજ ખાતે તૈયાર કરાયેલા સ્ટ્રોંગરૂમમાં મુકી દેવામાં આવ્યા છે અને
સ્ટ્રોંગરૂમ પર ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા રાઉન્ડ ધ કલોક ગોઠવી દેવામાં આવી છે અને કલેકટર સહિતના અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થાની અવારનવાર ચકાસણી પણ કરી રહ્યાં છે. બીજી બાજુ 4 જૂનના રોજ મતગણતરી રાખવામાં આવેલ હોય મતગણતરી માટે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ દરેક પ્રાંત અને
મામલતદાર કચેરી અને કલેકટર કચેરીમાંથી 1200 કર્મચારીઓને મતગણતરી માટે ફાળવી દેવામાં આવ્યા છે. રાજકોટ સંસદીય મત વિસ્તારની મતગણતરી 8 રૂમમાં રાખવામાં આવી છે જેમાં 7 વિધાનસભા દીઠ 7 રૂમ અને એક રૂમમાં બેલેટ પેપર તેમજ સર્વિસવોટરની મતગણતરી કરવામાં આવશે. સવારે 8 વાગ્યે
તમામ મતગણતરી એક સાથે થશે. રાજકોટ જિલ્લામાં પોરબંદર સંસદીય મત વિસ્તાર પણ આવતી હોય જેના કારણે ગોંડલ, જેતપુર, ઉપલેટા, ધોરાજી અને જામકંડોરણાના વિધાનસભા દીઠ મતગણતરી માટે રાજકોટથી કર્મચારીઓનો સ્ટાફ પોરબંદર મતગણતરી માટે ફાળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે રાજકોટ સંસદીય મત વિસ્તારમાં મોરબી જિલ્લાના ટંકારા અને વાંકાનેર વિધાનસભા આવતી હોય જેના સ્ટાફ માટે મોરબી કલેકટર પાસેથી માંગણી કરવામાં આવી છે.