દીધલીયામાં દિવાલ ધરાશાયી: કેરાળામાં સૌથી વધુ વરસાદ
અમરસર અને દલડીમાં ભારે વરસાદથી ખેતી પાકમાં નુકશાનીની ભીતિ
વાંકાનેર: તાલુકાના તીથવા બોર્ડ પાસે આસોઇ નદીના પુલ ઉપરથી પાણી જઈ રહ્યું છે, આથી અમરસર મીતાણા રોડ પર આવેલ કોટડા, વાલાસણ, પીપળીયા રાજ, અરણીટીંબા, તીથવા જેવા મોટા ગામને જોડતા આ રસ્તા પર વાહનવ્યવહાર ઠપ્પ થઇ ગયો છે અને નદીના બંને કાંઠે વાહનો ઉભા છે. અમરસર અને દલડીમાં ભારે વરસાદથી ખેતી પાકમાં નુકશાનીની ભીતિ સેવાઈ રહી છે.અમરસરમાં ભારે વરસાદના કારણે ભૂતપૂર્વ સરપંચ યાસિર શેરસિયાના ઘરે વોકળાના પાણી ઘુસી ગયા છે અને ખેતરોમા જુવાર અને કપાસના પાકમાં ભારે નુકસાની થયેલ છે, એવું ઈનાયત માથકિયા જણાવે છે…વાંકાનેર પંથકમાં રવિવારે સવારે 11 વાગ્યાથી શરૂ થયેલ વરસાદ સમગ્ર પંથકમાં છેલ્લા 30 કલાકથી સતત વરસી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. સતત પડતા વરસાદના કારણે વાંકાનેર વિસ્તારમાં ખેડૂતોને મોટી નુકસાનીની સાથોસાથ ઘણાબધા વિસ્તારમાં પાણી ભરાઈ જવાથી સંપર્ક વિહોણા બન્યા છે, ત્યારે છેલ્લા30 કલાકમાં વાંકાનેર પંથકમાં સોમવારે સાંજે છ વાગ્યા સુધીમાં 12 થી 20 ઇંચ જેટલો વરસાદ નોંધાયાના સમાચાર સામે આવ્યા છે. હાલ કંટ્રોલ રૂમ ખાતે કોઈ મોટી દુઘર્ટના કે નુકસાનીના સમાચારો સામે આવ્યા નથી, પરંતુ ઘણી જગ્યાએ વિજળી પડવા, દિવાલો ધરાશાયી થવી, પાણી ભરાવા સહિતના સમાચાર મળી રહ્યા છે…
મળેલ માહિતી મુજબ વાંકાનેર શહેરના નિચાણવાળા વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહેવાસીઓ હેરાનપરેશાન થઈ રહ્યા છે. આ સાથે જ વાકાનેર તાલુકાના દીધલીયા ગામે એક દિવાલ ધરાશાયી થવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં સદનસીબે કોઇ જાનહાનિ થયેલ નથી…..
આ સાથે જ સમગ્ર પંથકમાં વરસાદની વાત કરીએ તો છેલ્લા 30 કલાકમાં આજે સાંજના છ વાગ્યા સુધીમાં વાંકાનેર વિસ્તારમાં કુલ 12 ઇંચ વરસાદ નોંધાયો છે, કેરાળા વિસ્તારમાં 20 થી 22 ઇંચ, મચ્છુ 1 ડેમ સાઇટ પર 11 ઇંચ, મહિકા વિસ્તારમાં 15 ઇંચ, સમઢિયાળા વિસ્તારમાં 18 ઇંચ, તિથવા વિસ્તારમાં 11 ઇંચ, સિંધાવદર-કણકોટ વિસ્તારમાં 15 ઇંચ, ઢુવા-માટેલ વિસ્તારમાં 11 ઇંચ, પીપળીયા-વાલાસણ તરફ 14 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના સમાચાર સામે આવ્યા છે.