મોરબી હાઇવે પર રીક્ષા અકસ્માતમાં મોત
વાંકાનેર: મોરબી હાઇવે પર અવારનવાર રીક્ષાના અકસ્માતો થતા હોય છે. વધુ એક બનાવની માહિતી અનુસાર મોરબીમાં ટાઇલ્સ ખાતે રહેતા રાધે શ્યામ સીતારામ સૂર્યવંશી નામના 27 વર્ષીય યુવાન રફાળીયા ખાતે સીએનજી ઓટો રીક્ષામાં બેસીને વાંકાનેર તરફ જઈ રહ્યા હતા
ત્યારે આ રીક્ષાને કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા ઠોકર મારતા તેમને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે વાંકાનેર બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમનું વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.
બીજા બનાવમાં વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં માટી ખાતામાં બોરમીલ ભરાઇનું કામ કરતી વખતે કન્વેયર બેલ્ટમાં માટી નાખતી વખતે શ્રમિકનો હાથ બેલ્ટમાં આવી જતા ગંભીર ઈજાઓ પહોંચતા શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ એમસર સિરામિક ફેકટરીમાં માટી ખાતામાં બોરમીલ ભરાઇનું કામ કરતી વખતે કન્વેયર બેલ્ટમાં માટી નાખતી વખતે મૂળ મધ્યપ્રદેશના વતની આદિવાસી શ્રમિક મુકામસીંગ જેતુભાઇ સેમલીયાનો હાથ બેલ્ટમાં આવી જતા ખભાથી લઈ ગરદન સુધી ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.