1 મહિના પહેલા દિકરીને પરણાવી હતી
રાજકોટ નજીક કુવાડવા પાસે માધવ હોટેલ સામે ગઈકાલે રાત્રે ટ્રકે બાઈકને ઠોકરે લેતાં રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગરમાં રહેતા કરશનભાઈ આંબાભાઈ બાવળીયા ઉ.વ.40 નું મોત નીપજયુ હતું,અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક રેઢો મુકી ફરાર થઈ જતા કુવાડવા રોડ પોલીસે ગુન્હો દાખલ કરી આરોપી ચાલકને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગે મળેલ માહિતી મુજબ કરશનભાઈ આંબાભાઈ બાવળીયા ઉ.વ.40 રહે.શિવનગર શેરી નં.1 ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાજકોટ ગઈકાલે રાત્રે પોતાનું બાઈક લઈ કુવાડવાથી રાજકોટ તરફ આવી રહ્યા હતા ત્યારે કુવાડવા પાસે રાજકોટ-અમદાવાદ હાઈવે પર માધવ હોટેલની સામે આશરે.8.30 વાગ્યા આસપાસ એક ટ્રકે બાઈક સમેત કરશનભાઈને હડફેટે લીધા હતા. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક સ્થળ પર જ મુકી ફરાર થઈ ગયો હતો. આ તરફ ઈજાગ્રસ્ત કરશનભાઈને લોહીલોહાણા હાલતમાં બેભાન અવસ્થામાં 108 મારફતે રાજકોટ સિવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.જયાં ઈમરજન્સી વોર્ડમાં ફરજ પરના ડો.યાત્રી પંચાલે જોઈ તપાસી કરશનભાઈને મૃત જાહેર કર્યા હતા. જેથી સિવીલ હોસ્પીટલ ચોકીનાં એએસઆઈ રામશીભાઈ વરૂ સહીતનાં સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.કુવાડવા રોડ પોલીસના સ્ટાફે હોસ્પીટલ દોડી આવી મૃતદેહ પીએમ અર્થે ખસેડયો હતો.
1 મહિના પહેલા દિકરીને પરણાવી હતી
કરશનભાઈ 4 ભાઈ અને બે બહેનમાં મોટા હતા. તેમને સંતાનમાં 2 દીકરા અને 2 દીકરી છે.હજુ એક મહિના પહેલા જ કરશનભાઈની દિકરીનાં લગ્ન થયા હતા. જે ઘરમાં લગ્ન પ્રસંગે ખુશી-આનંદ છવાયો હતો ત્યાં અકસ્માત મોતના બનાવથી કલ્પાંત છવાઈ ગયો હતો. બામણબોર ભરડિયાના ડ્રાઈવર હતા..