આમ તે દિવસથી કોઇ વખત અમે હરખણીમાં પહોર ચારવા ગયા નથી
પીપળીયા રાજના કડીવાર અબ્દુલ ઉસ્માન ઉર્ફે સમીમ પેઈન્ટરે લખેલ આ લેખ રંગતરંગ સામયિકના તારીખ: ૧લી જૂન ’૮૮ ના અંકના પેઈજ ૯૫ અને ૯૬ ઉપર પ્રગટ થયેલો. ભૂત-પ્રેતનું અસ્તિત્વ ચર્ચાનું કેન્દ્ર રહ્યું છે. અમુક માને છે- ભૂતનો ભેટો થયાનું પણ કહે છે. અમુક નથી માનતા. નીચે સમીમ પેઈન્ટરે લખેલી રસપ્રદ ભૂતકથા આપેલ છે.
બળદો બધાય આગળ હતા અને અમે છયે જુવાનિયા પાછળ ગામ-ગપાટા મારતા ચાલ્યા જતા હતા, બીક જેવું નામ નહોતું. અડધી-પોણી કલાકમાં અમે તો ‘હરખણી’માં પહોંચી ગયા. બળદ બધા ચરવા માંડયા અને અમે બધાએ એક જગ્યાએ બેઠક જમાવી. થોડી વારે અમારામાંથી એકાદ માણસ બળદોની ખબર કાઢી આવતો હતો.
ચાંદો પણ ફૂલ ખીલ્યો’તો, અજવાળામાં બળદો ધોળા ઇંડા જેવા લાગતા’તા.
રાતના લગભગ બાર- સાડાબાર થયા હશે. બધાયને થોડી થોડી ભૂખ લાગેલી. આથી બે જણ બાજુના ખેતરમાં જઇ ત્યાંથી લીલી મગફળી લઇ આવ્યા અને બે જણ સૂકું બળતણ લઇ આવ્યા. અમે બળતણ સળગાવ્યું ને અંદર નાખી લીલી મગફળી- મગફળી શેકાઇ ગયા પછી અમે માંડયા વીણવા. મગફળીના આ ઓળાનો અમે એકબાજુ ઢગલો કર્યો. ત્યાર પછી અમે છ એ જણા ગોળ-કૂંડાળે ખાવા બેઠા અને વચ્ચે શેકેલી મગફળીનો ઢગલો કર્યો. બધાય વાતો કરતા જતા હતા અને મગફળીના ઓળા ખાતા જતા હતા. લગભગ બે -ત્રણ મિનિટ આમને આમ ખાધે રાખ્યું હશે, ત્યાં જ એક જણ બોલી ઉઠયો : “ઊભા રહો. કોઇ મગફળી ખાતા નહીં…બધાય પોતપોતાના હાથ પાછા લઇ લો…’
એટલે મેં કહ્યું: ‘કેમ?’
તે બોલ્યો: ‘નક્કી કંઈક નવા-જૂની છે.”
મેં કહ્યું: ‘શેનો શક પડે છે?’
તેણે કહ્યું: ‘આપણે કેટલા માણસો છીએ?’
મેં કીધું: ‘છ, કેમ વળી?’
તેણે કીધું કે ‘છ માણસો હોય તો પછી મગફળી ખાવા માટે છ હાથ જ લંબાવવા જોઈએ ને? પણ આ તો છ ને બદલે સાત હાથ લંબાય છે… નક્કી કંઈક છે જ ‘
મેં તેને કહ્યું: ‘તને ભ્રમ થયો હશે…”
છતાં પણ એનો વહેમ કાઢવા માટે અમે નક્કી કર્યું કે બધાએ એક સાથે જ હાથ લંબાવવા…હમણાં ખબર પડી રહેશે કે શું છે?
આથી અમે છ એ જણાએ એક સાથે દરેકના એક એક હાથ લંબાવ્યા. અમે હાથ ગણી જોયા. પણ બધાયના આશ્ચર્ય વચ્ચે છને બદલે સાત હાથ હતા. વળી પાછો તે જ સાતમો હાથ લંબાયો હતો.
આથી અમે મગફળી લઇને બીજી જગ્યાએ ખાવા બેઠા. કદાચ પેલી જગ્યા ‘મેલી’ હશે એમ માનીને…
બીજી જગ્યાએ બેઠા અને જેવા મગફ્ળી ખાવા લાગ્યા છે ત્યાં એનો એ જ સાતમો હાથ પણ લંબાયો.
મેં કહ્યું “નાખી દો મગફળી નથી ખાવી.’
મગફળી નાખી દીધી. ત્યાર પછી મશકમાંથી બધાએ થોડું થોડું પાણી પીધું.
“પછી મેં કીધું કે હવે અહીં રોકવામાં મજા નથી એટલે બે જણ બળદોને હાંકવા ગયા અને તેઓ જેવા બળદોને હાંકીને આવ્યા એટલે અમે ચાલતી પકડી.
સવારે ઘરના માણસોએ પૂછયું, “કેમ વહેલા આવી ગયા ?”
મેં તેમને આખો બનાવ વિગતવાર કહી સંભળાવ્યો. એ સાંભળીને ઘડીભર તો એ પણ ફફડી ગયા.
આમ તે દિવસથી કોઇ વખત અમે હરખણીમાં પહોર ચારવા ગયા નથી. આ બનાવ મેં મારી સગી આંખે જોયો હતો દીકરા !
નોંધ: સમીમ પેઇન્ટર (99257 34941)ને આ વાત પીપળિયારાજના મર્હુમ હાજીભાઇ કડીવારે કહેલ હતી, જે હાલ ગુજરી ગયેલ છે. અમે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતા નથી, પણ હરખણી વિસ્તારની આવી વાતો બીજા પાસેથી પણ સાંભળવા મળે છે. નઝરૂદીન બાદી (78743 40402)
સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ