બે હજારથી વીસ હજાર ફી વસુલતા હોવાનો આક્ષેપ
વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી ઓપરેશન પાર પાડયું
વાંકાનેર: અહીંના હસનપર પાસેના શક્તિપરામાં દાણા જોવાનું કામ કરતા ભુઈનો વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી પર્દાફાશ કર્યો છે. બીજી તરફ આ ભુઈએ એક મહિલાને દવા બંધ કરાવતા તેનું મોત નીપજ્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
વિજ્ઞાન જાથાના જણાવ્યા અનુસાર વાંકાનેરના શક્તિપરામાં હનીફાબેન પઠાણ છેલ્લા દસ વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી દુઃખ-દર્દ મટાડવાનું કામ કરતા હતા. તેઓએ ઘરમાં મેલડી માતા અને ખોડિયાર માતાનું મંદિર બનાવ્યું હતું. તેઓબી પી., ડાયાબિટીસ મટાડવાનો દાવો કરી દાણા પિવડાવવાનો ઉપચાર કરતા હતા. જેના તેઓ બે હજારથી વીસ હજાર ફી વસુલતા હતા. મોરબી, વાંકાનેર, કુવાડવા, ચોટીલા, થાનગઢ ગ્રામ્ય વિસ્તારના લોકો આ ભુઈમાં પાસે આવતા હતા. સંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, લગ્ન સંબંધી ઉકેલનું પણ તેઓ કામ કરતા હતા.
થાનગઢની બી.પી.ની દર્દી મહિલાને આ ભુઈએ દવા બંધ કરાવી હતી. જેથી થાનગઢ પરિવારે જાથાના કાર્યાલયે આપવિતી વર્ણવ્યા બાદ આજે જાથાની ટીમે પોલીસને સાથે રાખી તેનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ બંદોબસ્તમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓમાં લીંબાભાઈ રબારી, ભાવનાબેન મકવાણા, શીતલબેન મકવાણા સાથે જોડાયા હતા.
વાંકાનેરની ભુઈ શરીફાના પર્દાફાશમાં જાથાના ચેરમેન-એડવોકેટ જયંત પંડયાની રાહબરમાં અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, રમેશ પરમાર, મુકેશ સોંદરવા, ભાનુબેન ગોહિલ, યોગેશ પંડ્યા, સંજય પરમાર, અરવિંદ રાઠોડ, હેતલબેન રાઠોડ, લક્ષ્મીબેન રાઠોડ, ભીખાભાઈ રાઠોડ, દેવજીભાઈ રાઠોડ, સ્થાનિક કાર્યકરો જોડાયા હતા. આ પર્દાફાશ બાદ ભુઇએ માફી માંગી હવેથી દાણા જોવાનું બંધ કરી દેવાની ખાતરી આપી હતી.
આ મામલે ડીવાયએસપી સમીર સારડાએ જણાવ્યું કે વિજ્ઞાન જાથાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે આ ભુઈનો પર્દાફાશ કર્યો છે. થાનના યુવક અને જાથાના જયંત પંડ્યાએ ફરિયાદ આપી હતી કે આ ભુઈના કહેવાથી થાનના યુવકના માતાએ દવા બંધ કરી દીધી હતી. જેના પગલે તેઓનું મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે કે લોકો ભુવાના ચક્કરમાં ન પડે. જ્યાં સારવારની જરૂર હોય ત્યાં સારવાર લ્યે, ઉપરાંત આવા કોઈ બનાવ સામે આવે તો પોલીસ તથા વિજ્ઞાન જાથાની ટીમને જાણ કરે…