વાંકાનેર જીનપરા જકાતનાકા પાસે એક બહારના પ્રવાસીએ માટેલ તરફ જવાનો રસ્તો પૂછી પૂછ્યું: વાંકાનેરમાં કોનું શાષન? ભાજપનું જાણી કારમાં કમળનું નિશાન લઈને ફરતા એ મહાનુભાવે મોઢું બગાડ્યું’ કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ રસ્તો ના તો માત્ર કોંગ્રેસીઓ માટે કે ના તો ભાજપીઓ માટે આરક્ષણ છે, રસ્તાઓ પ્રજા માટે છે, પછી તે કોંગ્રેસના મહોલ્લાના હોય કે ભાજપી વિસ્તારના, સૌ કોઈ એ રસ્તે ચાલતા હોય છે. યાદ રહે- ખાડો વટેમાર્ગુને યાતનાઓ પક્ષ જોઈને આપતો નથી, એ સૌને નડે છે
વાંકાનેરમાં ડગલે-પગલે ખાડાઓ પોતાનું વરવું અસ્તિત્વ જાહેર કરી રહ્યા છે, મીડિયામાં અવાર-નવાર અહેવાલો પબ્લિશ થાય છે, માર્ચમાં નગરપાલિકાની ચૂંટણી હતી, હતું કે લોકોનું શાષન આવતા સુધારો થશે, પણ ઝીરો ! છ મહિના થયા, પાંચ મહિના પછી ફરી પાલિકાની ચૂંટણી આવશે, એવું નથી કે પાલિકા સદસ્યો નમાલા છે, આ બોડીમાં કોંગ્રેસના સભ્યોના દેખાવ સારો રહ્યો છે, રજુઆત કરે છે, ભલે પછી ન સ્વીકારાય, ન સ્વીકારાતી રજૂઆતોનો અપજશ ભાજપના ફાળે જાય છે, એવું પણ નથી કે ભાજપી સભ્યો નિષ્ક્રિય છે, પોતાની ફરજ સુપેરે બજાવનારા પણ છે, અરે ! હારેલા ઉમેદવારો પણ પ્રજાના પ્રશ્ને રજૂઆતો કરતા જોયા છે, સલામ એમને !! પણ લોકોને રોડ પરના ખાડાઓથી છુટકારો જોઈએ છે, છે કોઈ માઈનો લાલ? આ પડકાર કોણ ઝીલશે?
રાજકારણ રાજકારણની જગ્યાએ, કોંગ્રેસ-ભાજપ છોડો- સફળતા માટે પક્ષ નહીં, લોકો કેન્દ્ર સ્થાને હોવા જોઈએ, લોકોની યાદદાસ્ત ટૂંકી હોય છે એવું કહેવાતું હોય છે પરંતુ સૂરજ એક વાર તો સૌનો આથમે છે, પછી તે પક્ષ હોય કે વ્યક્તિ- સારી વાત છે કે પાલિકામાં ગ્રાન્ટની સમસ્યા નથી, સુશાનની વાત છે, ટપાકાથી નહીં લોકોને રોટલાથી મતલબ છે, કોઈ બહાના બાજી નહીં, નક્કર પરિણામ. ખાડાઓનો ખાત્મો !!
જયારે ભૂગર્ભ ગટર બનતી હતી ત્યારે નબળા કામ અંગે નરોવા-કુંજરવાની મુદ્રાનો ભોગ આજે લોકો બની રહ્યા છે, ગટરના ઢાંકણા (જો હોય તો) બેસી જાય છે, રોજ (બલ્કે રોજે-રોજ) આ ખાડાઓની યાતના ભોગ બનનારના મુખારવિંદની રેખાઓમાં અંકિત થાય છે જેની ના તો નેતાઓને કે ના તો અધિકારીઓને પડી છે, પૂછજો એમને…
મોરમ નાખીને થીગડું દેતા જોઈ ખાડો કટાક્ષમાં બોલતો હશે “અરે બુદ્ધિ વગરનાઓ ! તમે તાસ નાખી મને બૂરો છો પણ મોરમ તો વાહન ચાલતા આઘી થઇ જશે અને માટીના છાંટા ચાલકના કપડામાં તમારી અણઆવડતની ગવાહી પૂરશે. મારું અસ્તિત્વ મિટાવવા તમારા જેવા માયકાંગલાનું કામ નહીં- જાવ ઘર ભેગા થાવ !!”
ફૂલનો હાર દેખાય કે તાળીઓના ગડગળાટના સ્વર સંભળાય પણ મૂંગી જનતાની વેદના તો જાણો- ટ્રાફિક જામમાં ફસાયેલાઓને પ્રજાના પ્રતિનિધિ હોવાનો અહેસાસ તો કરાવો. સવાલ એ છે કે ખાડાઓની સમસ્યાનું કાયમી ટકનારું કદમ નહીં લઈને વહીવટી તંત્રે ભાજપની પ્રતિષ્ઠા ખતમ કરવાની સોપારી તો નથી લીધીને ? સમય બતાવશે….
