સાડા ત્રણ મહિને ટેન્ડર નીકળ્યું !
વાંકાનેર: વાંકાનેર બાયપાસ રોડ પર પંચાસર પાસે મચ્છુ નદી ઉપરનો પુલ ઓગષ્ટના છેલ્લા અઠવાડિયામાં તૂટેલો, આ ઘટનાને સાડા ત્રણ મહિના થઇ ગયા, ત્યારથી ભારે મોટા તોતિંગ વાહનો વાંકાનેર શહેરમાંથી પસાર થઇ રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામની સમસ્યાથી લોકો ત્રસ્ત છે. જડેશ્વર રોડથી જીનપરા જકાતનાકા સુધી નીકળતા વાહનચાલક નાગરિકોને ભાગ્યેજ આ સમસ્યાનો સામનો ન કરવો પડયો હોય, લોકો બોલે – અનુભવે છે કે આ નું કંઈક કરો !
હર એક દિન ‘કંઈક’ થાય એનો ઇન્તજાર છે, ત્યારે પંચાસરના આ પુલ પર રીપેર માટેનું ટેન્ડર અંદાજીત રકમ ૨૩૨.૮૬ લાખ રૂપિયાનું બહાર પડેલ છે, જેની છેલ્લી તારીખ તા. ૧૬/૧૨/૨૦૨૪ છે,
બહાર પડેલી ઓનલાઈન ટેન્ડરની જાહેર નિવિદા નં.૨૩/૨૦૨૪-૨૫ (ટુંકી મુદત) કાર્યપાલક ઈજનેરશ્રી, માર્ગ અને મકાન વિભાગ, બ્લોક-સી, બીજો માળ, જોલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ મોરબી-૨ ફોન નં. (૦૨૮૨૨)૨૪૦૫૨૪ દ્વારા https://tender.nprocure.com થી માંગવામાં આવેલ છે. કામનું નામ રીહેબીલેશન ઓફ મેજર બ્રિજ એક્રોસ રીવર મચ્છુ ઓન વાંકાનેર બાયપાસ રોડ કિ.મી. ૦/૮૦૦ ટુ ૧/૪૦૦ છે અને ઈજારદારની કક્ષા બી કેટેગરી તથા સ્પે કેટેગરી-૩ (બ્રિજ) તથા ઉપરની છે. ત્યારે સાડા ત્રણ મહીને ટેન્ડર નીકળે છે હવે કામ ક્યારે પૂરું થશે અને નાગરિકોને ક્યારે ટ્રાફિક જામ અને ખનિજને ઢાંક્યા વિના ડમરી ઉડાડતા વાહનોથી છૂટકારો મળશે? યુદ્ધનું ધોરણ ક્યાં છે? આગેવાનો ક્યાં સુતા છે?