મનદુ:ખ રાખી સૂર્યરામપરા ચોકડીએ માર માર્યો
વાંકાનેર: રાજકોટ રોડ પર આવેલ સૂર્યરામપરા ચોકડીએ સણોસરાના એક યુવાન ઉપર તેના જ સાળાએ હુમલો કર્યો હતો. પ્રેમ લગ્ન કર્યાં હોય, તેનું મનદુ:ખ રાખી માર માર્યો હતો. એરપોર્ટ પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન લીધું હતું.
મળેલ માહિતી મુજબ, સણોસરાના જયેશભાઈ કાનજીભાઈ પરમાર (ઉંમર વર્ષ 30) ગઈ કાલે રાત્રે સાંજે 6 વાગ્યા આસપાસ પોતે સૂર્યરામપરા ચોકડી પાસે હતા ત્યારે સામેવાળા તેમના સાળા નીતિન વાઘેલાએ ઝઘડો કરીને ઢીકા પાટુનો માર મારતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જયેશભાઈએ જણાવ્યું કે, હું સૂર્યરામપરા ચોકડી પાસે એક કંપનીમાં નોકરી કરું છું. મારાં ગામમાં રહેતી યુવતી સાથે મારે પ્રેમ સંબંધ હોય, અમે યુવતીના પરિવારને વાત કરી પણ તેઓ લગ્ન કરાવી આપવા સહમત ન થતા અમે 4-5 મહિના પહેલા કોર્ટ મેરેજ કરી લીધા હતા.
ગઈકાલે મારી પત્નીના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ વગેરેમાં નામ ફેરફાર કરાવવા અમે પતિ પત્ની બાઈક પર રાજકોટ આવ્યા હતા. પરત સણોસરા જતા હતા ત્યારે મારો નાનો સાળો નીતિન સૂર્યરામપરા ચોકડી પાસે પોતાનું બાઈક લઈ ઉભો હતો. અમને જોઈ તેણે પીછો કર્યો.
તેનું બાઈક અમારી આડે નાખ્યું. જેથી મેં પૂછ્યું કે ‘શા માટે આમ કરેશ?’ જેથી તે ઉશકેરાઈ ગયો. અપશબ્દો કહેવા લાગ્યો. મારો કાંઠલો પકડી મને પછાડી દઈ ઢીંકા પાટુનો માર માર્યો હતો. મારી પત્નીએ વચ્ચે આવી મને છોડાવ્યો હતો.
જયેશભાઈ પરમારને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી. પોલીસે જયેશભાઈનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી…
