સરતાનપર રોડ પર દવા પીતા સારવારમાં
નાની મોલડીમાં અકાળે યુવાનનું મોત
વિજળીયા પેટ્રોલ પંપના માલિકને નોટિસ
વાંકાનેર: અહીં ભાઈએ ઝઘડામાં ઢીકાપાટુ મારતા બહેનને ઈજા થતા અને સરતાનપર રોડ પર દવા પીતા આઘેડ સારવાર લીધી હતી, ચોટીલા તાલુકાના નાની મોલડીમાં અકાળે એક યુવાનનું મોત થયેલ છે અને થાન તાલુકાના વિજળીયા ગામમાં આવેલ પેટ્રોલ પંપના માલિકને નોટિસ અપાઈ છે…
જાણવા મળ્યા મુજબ વાંકાનેરમાં ભાઈ સાથે ઝઘડો થયા બાદ ઢીકાપાટુની મારામારીમાં ઈજા થતા સબનમબેન યાસીનભાઈ મકવાણા (ઉ.25)ને સારવાર માટે મોરબી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.
બીજા બનાવમાં અકળ કારણોસર કોઈ દવા પી જતા ગુરપ્રિતસિંગ લખવિંદરસિંગ (ઉ.30) રહે. ગ્રોમો કંપની, સરતાનપર રોડ તા. વાંકાનેરને સારવારમાં ખસેડાયા હતા.
ચોટીલાના નાની મોલડીમાં જનકભાઈ લખમણભાઇ ઝાપડા (ઉંમર વર્ષ 40) ગઈકાલે સવારના પોતે પોતાના ઘરે કોઈ બીમારી સબબ બેભાન થઈ ગયા હતા. તેઓને પ્રથમ ચોટીલા અને બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં દાખલ કરેલા હતા. તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
તો પરિવારે એવી શંકા દર્શાવી કે, બીમારીના કારણે નહીં પણ તેણે કોઈ ઝેરી પ્રવાહી પીધેલ છે. જેથી મોતનું સ્પષ્ટ કારણ જાણવા માટે પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડ્યો હતો. જનકભાઈ 2 ભાઈમાં નાના હતા. રીક્ષા ચલાવતા હતા. તેમને સંતાન 1 પુત્ર અને 1 પુત્રી છે. પિતાના મોતથી સંતાનોએ છત્રછાયા ગુમાવતા ભારે કલ્પાંત છવાયો હતો.
થાનના વિજળીયા ગામમાં ગેરકાયદે ખનનમાં વપરાતા વાહનો પેટ્રોલ પંપમાં પાર્ક કરતા શક્તિ પેટ્રોલ પંપ માલિક બાબુભાઈ દાનાભાઈ ઝાલા સામે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે એનઓસી રદ કરવાની, જમીન શરતભંગ બદલ પગલાં ભરી કાર્યવાહી હાથ ધરી છે. ચોટીલા સબ ડિવિઝનમાં સમાવિષ્ટ ચોટીલા તાલુકામાં આવેલ તમામ પેટ્રોલ પંપ ધારકોને પરિપત્ર કરી અગાઉ સૂચના પેટ્રોલ પંપમાં ગેરકાયદેસર ખનનના કામે વપરાતા વાહનો પાર્ક નહીં કરવા સુચનાઓ આપી હતી. તેમ છતાંય પરિપત્રનું ઉલ્લંઘન કરતા ચોટીલા ડેપ્યુટી કલેકટર અને ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. થાનના વીજળીયા ગામે પેટ્રોલિંગ દરમિયાન શક્તિ પેટ્રોલ પંપમાં ગેરકાયદે પાર્ક કરેલ વાહનો ધ્યાને આવ્યું હતું.
