વાંકાનેરના મહીકા ગામના યુવાન સાથેનો બનાવ
વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા યુવાને તેની માલિકીનો ટ્રક જે શખ્સને વેચ્યો હતો, તેણે અડધી રકમ આપ્યા બાદ બાકીની અડધી રકમ આપી ન હતી. જેથી વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરેલ હોવાથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે; જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામે રહેતા કુલદીપભાઈ નરોતમભાઈ મીણીયા જાતે કોળી (૨૫) એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભુરાભાઈ દાનાભાઈ મોરી રહે. રાતડી તાલુકો પોરબંદર વાળાની સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યુ છે કે, તેની માલિકીનો ટ્રક નંબર જીજે ૩ એટી ૪૬૨૪ ૫.૫૦ લાખ રૂપિયામાં આરોપી ભુરાભાઈ દાનાભાઈ મોરીએ ખરીદ્યો હતો અને જે તે સમયે ટ્રકની અડધી રકમ ૨.૭૫ લાખ આપી દીધી હતી.
બાકીના ૨.૭૫ લાખ રૂપિયા ન આપીને ફરિયાદીના નાણા ઓળવી જઈને તેની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરેલ છે. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.