મિતાણા અને ટંકારા વચ્ચે કારનો પીછો કરી ધાડ
ધાડને અંજામ આપનાર આરોપીઓ પૈકી બે શખ્સો પોલીસના સકંજામાં: ડીવાયએસપીએ વિગતો જાહેર કરી
ટંકારા: મોરબી રાજકોટ-મોરબી હાઇવે ઉપર બુધવારે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં રાજકોટના આંગડિયા પેઢીના માલિકની કારનો પીછો કરી કારને ટક્કર મારી 90 લાખ રૂપિયાની દિલધડક લૂંટના કિસ્સામાં સાત આરોપીઓએ રોકડ રકમ લઈ ગયા હોઈ બનાવ ધાડનો હોવાનું સામે આવ્યું છે. ધાડપાડુની એક કાર અકસ્માતગ્રસ્ત બન્યા બાદ બીજી કારમાં રોકડ લઈને નાસી ગયા બાદ નાકા બંધીમાં બે આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાનું સામે આવ્યું છે…
ટંકારા નજીક ધાડની ઘટના અંગે ડીવાયએસપી સમીર સારડાએ વિગતો આપતા જાહેર કર્યું હતું કે, રાજકોટમાં ટીટેનિયમ એન્ટરપ્રાઈઝ નામની આંગડિયા પેઢી ચલાવતા ફરિયાદી નિલેશભાઈ મનસુખભાઈ ભાલોડી બુધવારે ધંધાના કામે લાખો રૂપિયાની રોકડ રકમ લઈ મહિન્દ્રા એસયુવી કારમાં મોરબી તરફ આવતા હતા ત્યારે ટંકારા નજીક એક પોલો અને બલેનો કારના ચાલકે તેમની કારનો પીછો કરી ખજૂરા હોટલ પાસે કારની પાછળ જોરદાર ટક્કર મારતા કાર ડિવાઈડર કૂદી ગઈ હતી…
બીજી તરફ બન્ને કારમાં રહેલા ધાડપાડુ ગેંગના સાત જેટલા સભ્યોએ કારને ટક્કર માર્યા બાદ ધોકા સાથે ધસી આવી કારના કાચ તોડી નાખ્યા હતા. આંગડિયા પેઢીના નિલેશભાઈ ભાલોડીના ડ્રાઈવરે સમય સુચકતા વાપરી કારને ખજૂરા હોટલ નજીક વાળી લેતા ધાડપાડુઓ નીચે ઉતરી કારનો પાછળનો દરવાજો ખોલી લાખો રૂપિયાની રોકડ રકમ લઈ નાસી ગયા હતા.આ ઘટનામાં ધાડપાડુ શખ્સોની કાર અકસ્માતગ્રસ્ત બનતા બનાવ સ્થળે નંબર પ્લેટ વગરની કાર છોડી અન્ય કારમાં રોકડ રકમ લઈને નાસી ગયા હતા…
ધાડપાડુ શખ્સો જાણ ભેદુ જ હોવાના સંકેતો
ટંકારા નજીક રોકડ રકમ ભરેલી કારને ટક્કર મારી લાખો રૂપિયાની રકમ લઈ જવાના બનાવમાં જાણ ભેદુ શખ્સો જ સંડોવાયેલ હોવાના સંકેતો મળી રહ્યા છે. કારણ કે જે રીતે કારનો પીછો કરાયો અને જે રીતે ટાઈમિંગ સાથે રોકડ રકમ લૂંટવાને અંજામ અપાયો તે જોતા લૂંટને અંજામ આપનાર લોકો આંગડિયા પેઢીના માલિકની રેકી કરી હોવાનું પણ સ્પષ્ટ બન્યું છે.
ચાલુ કારને ફિલ્મી ઢબે ટક્કર મારી ઘાડને અંજામ અપાયો
બે અલગ અલગ કારમાં આવેલા ધાડપાડુઓએ મિતાણા અને ટંકારા વચ્ચે આંગડિયા પેઢીના માલિકની કારનો પીછો કરી ચાલુ ગાડીએ જ ફિલ્મી સ્ટાઇલથી ટક્કર મારી ફૂલ પ્રુફ પ્લાન સાથે જ ધાડને અંજામ આપ્યો હતો. ધાડ પાડુઓ રોકડ રકમ લઈ ગયા ત્યારે આંગડિયા પેઢીના માલિક તેમજ ડ્રાઈવર જીવ બચાવવા કાર રેઢી મૂકી દૂર જતા રહ્યા હતા. પોલીસે બે આરોપીઓને સકંજામાં લીધા હોવાની બિન સતાવાર માહિતી મળી છે…