ઓછું વજન તેમજ વધુ ભાવ પડાવનારા દંડાયા : ઓનલાઈન ફરિયાદોમા કેસનો 30 દિવસમાં નિકાલ
હાઈવેની રેસરોરેન્ટમાં 3 કેસ, દૂધની ડેરીમાં વધુ ભાવ લેતા હોય એવા પાંચ કેસ, ભાવમાં ચેકચાક કરેલા હોય એવા બે કેસ, વજન ઓછું આપતા હોય એવા શાકભાજી અને ફૂટવાળાના 6 કેસ, વે બ્રિજ સહિતના 9 કેસનો સમાવેશ થાય છે. પેટ્રોલ પંપમાં ઓછું પેટ્રોલ આપતા હોવાની છ મહિનામાં એકપણ ફરિયાદ આવી નથી
મોરબીમાં વર્ષોથી કાર્યરત ગ્રાહક સુરક્ષા અને તોલમાપ કચેરી હવે એક વર્ષથી જિલ્લા કક્ષાની બની ગઈ છે. આ જિલ્લા કક્ષાની ગ્રાહક સુરક્ષા અને તોલમાપ કચેરી છેલ્લા છ મહિનામાં વધુ ભાવના, તોલમાપમા ગરબડ સહિત 29 કેસ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં ઓનલાઈન ફરિયાદ આવતી હોવાથી મોટાભાગના કેસનો 30 દિવસમાં નિકાલ થઈ જાય છે. આ કેસોમાં દંડ ફટકારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.આશ્ચર્ય તો એ વાતનું છે કે, આખી કચેરી એક જ વ્યક્તિથી ચાલતી હોવા છતાં આ અસરકારક કામગીરી કરવામાં આવી છે.
મોરબી જિલ્લા કક્ષાની ગ્રાહક સુરક્ષા અને તોલમાપ કચેરીના ઇન્ચાર્જ અધિકારી અનિરુદ્ધસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ગત તા.7/6/22થી 31/3/2023 એટલે છ મહિનામાં જુદાજુદા 29 કેસ કરવામાં આવ્યા હતા. જેમાં મોટાભાગે ઓનલાઈન ફરિયાદ આવી હોય એના આધારે જ કાર્યવાહી થાય છે. 29 કેસોમાં ભાવ વધુ લેતા હોય એવા હાઈવેની રેસરોરેન્ટમાં 3 કેસ, બસ સ્ટેન્ડની અંદર 1 કેસ, દૂધની ડેરીમાં વધુ ભાવ લેતા હોય એવા પાંચ કેસ, અન્યના ભાવ લેતા હોય એવા 3 કેસ, ભાવમાં ચેકચાક કરેલા હોય એવા બે કેસ, વજન ઓછું આપતા હોય એવા શાકભાજી અને ફૂટવાળાના 6 કેસ, વે બ્રિજ સહિતના 9 કેસનો સમાવેશ થાય છે.આ તમામ કસુરવારોને રૂ.51950નો દંડ ફટકારવામાં આવ્યો છે.એમાંય દૂધમાં વધુ ભાવ લેતા હોય એને 2 હજારનો દંડ, શાકભાજી-ફ્રુટમાં 100 થી 500 રૂપિયા અને કોલ્ડ્રિકસમાં ભાવ વધુ લેતા હોય એને 2 હજાર, રજનીગંધામાં ભાવ વધુ લેતા હોય એ પાનની દુકાનને 2 હજારનો દંડ કરવામાં આવ્યો છે. આ જિલ્લા કક્ષાની ગ્રાહક સુરક્ષા અને તોલમાપ કચેરી હેઠળ 3357 જેટલા એકમો નોંધાયેલા છે.જેમાંથી 156 જેટલા પેટ્રોલ પંપ નોંધાયેલા હોય આ પેટ્રોલ પંપમાં વર્ષમાં એકવાર ચેકિંગ કરવામાં આવે છે.આ 3357 એકમોમાં વર્ષ 2022-23માં મુદ્રાકન ચકાસણી 58.47 લાખ ફી વસુલવામાં આવી છે.જ્યારે ભાવ વધુ લેતા હોય એને 100 રૂપિયાથી 5 હજારનો દંડ ફટકારવામાં આવે છે. જો કે પેટ્રોલ પંપમાં ઓછું પેટ્રોલ આપતા હોવાની છ મહિનામાં એકપણ ફરિયાદ આવી નથી.