મારમ-માર વાહન હાંકતા નહીં
તંત્ર દ્વારા ડાઈવર્જન કાર્યરત કરાયું
વાંકાનેર: ગુજરાતનાં છેલ્લા વર્ષોમાં ઘણી જગ્યાએ પુલ અને પુલિયા તૂટવાની ઘટનાઓ સામે આવેલ છે, તેવામાં હાલમાં વાંકાનેર તાલુકામાં વધુ એક પુલ જોખમી બની ગયેલ છે કેમ કે, વાંકાનેરથી કુવાડવા તરફ જવાનો જે રસ્તો છે તે રસ્તામાં સિંધાવદર પછી કેનાલ પછી આસોઈ નદી ઉપર પુલ બનાવવામાં આવેલ છે તે પુલમાં કોઈ કારણોસર ગાબડું પડી ગયેલ છે જેથી કરીને હાલમાં વાહનો ધીમે ચલાવવા માટેની સૂચના વાહન ચાલકોને આપવામાં આવેલ છે અને ડાયવર્ઝનનો રસ્તો તંત્ર દ્વારા રાતોરાત શરૂ કરી દેવામાં આવેલ છે.
વાંકાનેર શહેર નજીકથી પંચાસર બાયપાસ રોડ ઉપર જે પુલ આવેલ છે તેનો અમુક ભાગ નમી જવાથી તે પુલને બંધ કરવામાં આવેલ છે અને ભારે વાહનો સહિતના વાહનોને ડાયવર્ઝન આપવામાં આવેલ છે તે ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યાં વાંકાનેરથી કુવાડવાને જોડતો રોડ ઉપર સિંધાવદર નજીક આવેલ આસોઈ નદી પરના પુલમાં મસમોટું ગાબડું પડતાં પુલ જોખમી બની ગયો છે. જો કે પુલ ડેમેજ થવાની ઘટનાને પગલે માર્ગ મકાન વિભાગના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને હાલમાં પુલ ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે..
વાંકાનેર તાલુકામાં થોડા વર્ષો પહેલા પણ આ પુલ પરનો એક ભાગ થોડો ડેમેજ થયેલ હોવાથી રિપેર કરવામાં આવ્યો હતો અને છેલ્લા વર્ષોથી આ પુલ ડેમેજ હોવાની ચર્ચાઓ થઈ રહી હતી પરંતુ અધિકારીઓએ દ્વારા દરકાર લેવામાં આવી ન હતી જેથી કરીને હાલમાં પુલમાં ગાબડું પડેલ છે અને લોકોની ચિંતામાં વધારો થયેલ છે. વધુમાં અધિકારી પાસેથી મળેલ માહિતી મુજબ કુલ મળીને 10 મીટર લાંબો આ પુલ 1990 માં બનાવવામાં આવેલ છે અને છેલ્લા 34 વર્ષથી પુલ ઉપયોગમાં છે આ પુલમાં કુલ નવ ગાળા છે જે પૈકીનાં કુવાડવા ગામ બાજુથી વાંકાનેર તરફ આવવા માટેના રસ્તા ઉપર બીજા ગાળામાં ગાબડું પડ્યું છે હાલમાં કોઈ અકસ્માત ન થાય તે માટે બેરિકેટ મૂકીને એક સાઇડનો રસ્તો બંધ કરવામાં આવેલ છે અને એક બાજુથી વાહનોની અવરજવર ચાલી રહી છે…
વધુમાં માર્ગ મકાન વિભાગના ઇજનેર સંદીપ કડીવારે જણાવ્યુ હતું કે, પુલમાં ગાબડું પડ્યું હોવાની જાણ થતાની સાથે જ રાતે જ ટીમ ત્યાં પહોચી ગયેલ હતી અને આ પુલની બાજુમાં જ ડામર પટ્ટી વાળું એક ડાયવર્ઝન અગાઉ બનાવવામાં આવ્યું હતું ત્યાથી બાવળ અને જાળી જાખરાને હટાવવા માટેની કામગીરી કરીને ડાયવર્ઝનનો રસ્તો વાહન વ્યવહાર માટે શરૂ કરવામાં આવેલ છે અને પૂલની જે સાઇડમાં ગાબડું પડેલ છે તે સાઈડને બંધ કરી છે જો કે, બીજી સાઇડ ઉપરથી વાહન વ્યવહાર ચાલી રહ્યો છે…