બિન પિયતની જમીન માટે પણ તલાટીનું પ્રમાણપત્ર નહીં ચાલે
ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવવા માટે નોંધણી સર નિરીક્ષકની કચેરીએ એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી, દસ્તાવેજની નોંધણી માટે ‘મિલકતનું આયુષ્ય’ નક્કી કરવા તેમજ ખેતીની જમીનને ‘બિન પિયત’ ગણવા માટે તલાટી-કમ-મંત્રી દ્વારા આપવામાં આવતા દાખલા કે પ્રમાણપત્રનો આધાર લેવામાં આવશે નહીં.
ભ્રષ્ટાચારને પોષતી પ્રથા પર પ્રતિબંધ
નોંધણી કચેરીના ધ્યાનમાં આવ્યું હતું કે રાજ્યના કેટલાક સબ-રજિસ્ટ્રારો વેચાણ દસ્તાવેજોમાં મિલકતની બજાર કિંમત નક્કી કરવા માટે તલાટીના દાખલાનો ઉપયોગ કરી રહ્યા હતા. આ પ્રથા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મિલકતની બજાર કિંમત ઓછી આંકવાનો અને પરિણામે વેચાણ લેનાર પક્ષ દ્વારા ભરવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીની રકમ ઘટાડવાનો હતો. આનાથી રાજ્ય સરકારની તિજોરીને મોટા પાયે નુકસાન થતું હતું અને ભ્રષ્ટાચારને પોષણ મળતું હતું, જેને સામાન્ય ભાષામાં ‘ચા-પાણી’ની પ્રથા તરીકે ઓળખવામાં આવતું હતું.
સબ-રજિસ્ટ્રારોને સ્પષ્ટ આદેશ
આવા અનેક કિસ્સાઓ ધ્યાને આવતા, નાયબ નોંધણી સર નિરીક્ષક એસ.આર. તાબિયારની સહીથી એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં રાજ્યના તમામ સબ-રજિસ્ટ્રારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જેમાં કોઈ પણ બાબતે તલાટીના દાખલાને આધારે દસ્તાવેજ નોંધણી કરવાની રહેશે નહીં. સ્ટેમ્પ ડ્યુટી નક્કી કરવા માટે આવા દાખલાનો આધાર ન લેતા એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટ્સ (જંત્રી) ભાવમાં ફેરફાર કરવા અંગે રાજ્યના મહેસૂલ વિભાગે 13મી એપ્રિલ 2023ના ઠરાવમાં જે માર્ગદર્શન આપ્યું છે, તેનો જ ઉપયોગ કરવો. 13મી એપ્રિલ 2023ના ઠરાવમાં મિલકતના ઘસારા અંગેની આખી પ્રક્રિયા કોષ્ટકના આધારે વર્ણવવામાં આવી છે. હવેથી, મિલકતનું બજાર મૂલ્ય ઓછું આંકવા માટે તલાટીના દાખલા રજૂ કરીને સ્ટેમ્પ ડ્યુટીની રકમ ઓછી ભરવાનો પ્રયાસ હવે સફળ થશે નહીં.
બિન પિયતની જમીન માટે પણ તલાટીનું પ્રમાણપત્ર નહીં ચાલે
આ નિયંત્રણ માત્ર મિલકતોના આયુષ્ય પૂરતું જ મર્યાદિત નથી. ખેતીની જમીન બિન પિયતની હોય અને અન્ય કોઈ પુરાવો ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં પણ અગાઉ તલાટીના પ્રમાણપત્રને આધારે જમીનને બિન પિયત ગણીને તેની સ્ટેમ્પ ડ્યૂટી નક્કી થતી હતી. હવે આ પ્રેકિટસ ઉપર પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ નવા આદેશથી વેચાણ દસ્તાવેજ નોંધણીની પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને સરકારી આવકમાં વધારો થશે, જ્યારે ગેરરીતિ અને ભ્રષ્ટાચારની શક્યતાઓ પર મોટો અંકુશ મૂકાશે.
