મોરબીથી ત્રણેક કિમી દૂર આવેલ અમરેલી ગામમાં બનશે
અત્રેની જેલમાં 143 પુરૂષ અને 28 મહિલા કેદીની ક્ષમતા
નવી જેલમાં 500 પુરૂષ અને 50 મહિલા કેદીઓનો સમાવેશ થઇ શકશે
મોરબી નગરમાંથી શહેર અને તાલુકામાંથી જિલ્લા બનેલા મોરબીમાં જિલ્લાકક્ષાની જેલ બનાવવાનો મહત્વનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે. આ આધુનિક જેલ બન્યા બાદ જેલમાં કેદીઓને રાખવાની ક્ષમતા અને સુવિધામાં વધારો થશે. ઓવરક્રાઉડની સમસ્યાનું નિરાકરણ થશે. આ અંગે વધુ માહિતી આપતા કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યુ હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોરબીમાં જિલ્લાકક્ષાની જેલને મંજૂર કરી મહત્વનો નિર્ણય કર્યો છે. જેથી હવે પછી 171 ની સામે 550 ની વધુ ક્ષમતા ધરાવતી આધુનિક જેલનું નિર્માણ કરવામાં આવશે.
જિલ્લા જેલરની માગણીથી મોરબીથી ત્રણેક કિમી દૂર આવેલ અમરેલી ગામમાં સર્વે નં. 199 પૈકી એકની જમીનમાંથી 5-22-70 હેકટર જમીન જેલ બનાવવા માટે વહિવટી તંત્ર દ્વારા તબદીલ કરવામાં આવી હતી. જેથી કેદીઓ સહિત જેલના સ્ટાફને સુવિધાયુકત જેલ મળી રહેશે. નવી જેલની મંજૂરીના મુખ્યમંત્રીના નિર્ણયને આવકારતા જિલ્લા જેલર ડી.એમ. ગોહિલે જણાવ્યું કે, મોરબીની સબ જેલ 1954માં શરૂ કરવામાં આવી હતી. તે સમયે કેદીઓની સમાવેશ સંખ્યા 84ની હતી. જે બાદમાં વર્ષ 2017 માં જરૂરી સુધારા વધારા કરતાં 171 (143 પુરૂષ કેદી અને 28 મહિલા કેદી) કરાઈ હતી.



કેદીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો હોઈ આગામી 50 વર્ષને ધ્યાને લઇને નવી જિલ્લા જેલ બનાવવા માટે જિલ્લા જેલ કમિટિએ તંત્રને દરખાસ્ત કરી હતી. જેલમાં કેદીઓના રહેવાની, મનોરંજન માટેના હોલ, હરવા ફરવા માટેની ખુલ્લી જગ્યાનો સમાવેશ થશે. જેમા સરકાર દ્વારા કેદીઓને જેલમાં તાલીમ સાથે રોજગાર મળી રહે તે માટે જેલમાં વિવિધ પ્રકારના ઉધોગો શરૂ કરવાની સગવડોનો સમાવેશ થયો છે. ૫૫૦ કેદીઓમાં 500 પુરૂષ કેદીઓ અને 50 મહિલા કેદીઓનો સમાવેશ કરવાના હેતુથી જમીનની માગણી થઇ હતી. મોરબીમાં જિલ્લા જેલ કમિટીએ નવી જેલની માગણી તંત્રને કરી હતી. મોરબીમાં આ જિલ્લાકક્ષાની નવી જેલને મંજૂરી જિલ્લા જેલ કમિટિમાં પ્રિન્સિપલ ડિસ્ટ્રકટ જજ, જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ, સિનિયર મોસ્ટ લેડી જયુડિશિયલ ઓફિસર, જેલ અધિક્ષક સભ્ય છે…

