મૂળ તીથવાના હાલ રાજકોટ રહેતા બાકરોલીયા (મિલનવાળા) પરિવારને અકસ્માત નડયો
મોરબી નજીક મોડી રાત્રે કાર સાથે કાર અથડાતા એક બાળકીનું મોત અને છ લોકોને ઇજા થઇ
મોરબી: મોરબીની પંચાસર ચોકડી પાસે ગત મોડીરાત્રીના બારેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં સીએનજી વાહન સાથે કાર અથડાતા મોરબી તાલુકાના આમરણ ગામે યોજાતા ઉર્સમાંથી પરત રાજકોટ જતા મુસ્લીમ પરિવારની છ વર્ષની બાળકીનું મોત નિપજયુ છે.
ઉપરોક્ત અકસ્માત બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે મોરબીની પંચાસર ચોકડી નજીક મોડીરાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં રાજકોટના મુસ્લીમ પરીવારના સીએનજી છોટા હાથી જેવા વાહન નંબર જીજે 3 બીડબલ્યુ 7312 ની સાથે કાર અથડાવાના બનેલ બનાવમાં સારીન ઈરફાનભાઇ હસનભાઈ બાકરોલિયા (ઉંમર 6- રહે. રાજકોટ રસુલપરા કોઠારીયા સોલ્વન્ટ નજીક ગોંડલ ચોકડી) નામની બાળકીનું મોત નીપજ્યું હતું. અને આ બનાવમાં તે જ પરિવારના નિઝામુદ્દીન હસનભાઇ બાકરોલીયા (42), ઇરફાન હસનભાઇ બાકરોલીયા (38), મહેઝબીન ઇરફાનભાઇ બાકરોલિયા (35), સેઝાનબેન નિઝામુદ્દીન બાકરોલિયા (16), ગુલઝારબેન નિઝામભાઈ બાકરોલિયા (42) અને યાસ્મીન ઇમરાનભાઈ બાકરોલિયા (28) ઇજા પહોંચતા મોરબીની સિવિલ હોસ્પિટલ તેમજ અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ ઇજાગ્રસ્તોને હાલ રાજકોટ ખસેડવામાં આવ્યા હોવવાનું જાણવા મળેલ છે.
આ બનાવમાં હાલમાં છ વર્ષની સારીન ઈરફાનભાઇ બાકરોલીયા નામની બાળકીનું મોત નિપજેલ છે. વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ગઈકાલે મોરબી તાલુકાના આમરણ ગામે ઉર્ષ નિમિત્તે મેળો હોવાથી રાજકોટનો બાકરોલિયા પરિવાર કાર લઈને મોરબીના આમરણ ગામે ગયો હતો અને ઉર્સમાંથી પરત રાજકોટ જતા સમયે રાતે બારેક વાગે મોરબીની પંચાસર ચોકડી નજીક તેઓની કાર સાથે અન્ય કાર અથડાઈ હતી અને તે બનાવમાં પરીવારની એક બાળકીનું મોત થયેલ છે.
બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા ફરિયાદ લેવાની આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. વધુમાં માહિતી મળેલ છે કે આ પરિવારને વાંકાનેર આરડીસી બેન્ક પાસે મિલન નામથી પાનનો ગલ્લો હતો અને પછીથી રિક્ષામાં પણ એમણે મિલન લખાવેલ હતું, આથી તેમનું હુલામણું નામ મિલન પડી ગયેલું. હાલ આ કુટુંબ રાજકોટ રહે છે.