કોપીરાઈટ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો
વાંકાનેરના જાલીડા ગામે અજય સ્ટીલ કંપની ઉભી કરી દિધી હતી. બનાવ અંગે અમદાવાદના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ ગણેશ હોમ્સ ઈ-403 માં રહેતા 43 વર્ષીય યુવાન આદિત્ય અમરીશ નાગરે રાજકોટ સીઆઈડી ક્રાઇમ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ભાવનગરના કાળીયાબીડમાં આવેલ રુદ્ર ગ્લોબલ ઇન્ફ્રા પ્રોડક્ટ લિમિટેડ નામની કંપનીમાં છેલ્લા 11 વર્ષથી મીડિયા એન્ડ એડવર્ટાઈઝમેન્ટ વિભાગના હેડ તરીકે ફરજ બજાવે છે. જેમાં તેઓને બ્રાન્ડેડ કંપનીના કોપીરાઇટ તથા ટ્રેડમાર્કના હકોના રક્ષણની જવાબદારી નિભાવવાની હોય છે. કંપનીના કોપીરાઇટ તથા ટ્રેડમાર્કના હકોના રક્ષણ માટે ફરિયાદ કરવા માટેનું કામ મારે સાંભળવાનું હોય છે તે બાબતે રુદ્ર ગ્લોબલ ઇન્ફ્રા પ્રોડક્ટના ડિરેક્ટર સાહિલ ગુપ્તા તરફથી ઓથોરિટી લેટર પણ આપવામાં આવેલ છે.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, કંપની દ્વારા રૂદ્ર ટીએમટી બાર્સનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને જાહેરાત, સપ્લાય કરે છે. કંપની કર્મચારીને માહિતી મળી હતી કે, વાંકાનેરના જાલીડા ગામે સર્વે નંબર-161/1 માં આવેલ અજય સ્ટીલ નામની ફેક્ટરીમાં અમારી કંપનીમાં ઉત્પાદન થતું રૂદ્ર ટીએમટી બાર્સનું કોપી કરી રુદ્રાક્ષ ટીએમટીનું ઉત્પાદન કરી વેચાણ કરે છે અને કોપીરાઇટ એક્ટનો ભંગ કરે છે.
જેથી ફરિયાદીએ રાજકોટ સીઆઈડી ક્રાઇમ પોલીસની ટીમને આ બાબતે જાણ કરતા સીઆઈડી ક્રાઇમ પોલીસના પીએસઆઈ એ સી ઈશરાણીની ટીમે ફરિયાદીને સાથે રાખી જાલીડા ગામે રેવન્યુ સર્વે નંબર 161/1 માં આવેલ અજય સ્ટીલ કંપની ખાતે જઈ તપાસ કરતા ફેક્ટરીની ઓફિસમાં બેઠેલા શખ્સ યામીન મહંમદ ગાંજા (રહે. કુંભારવાડા મેઈન રોડ, કેનાલ રોડ, રાજકોટ)એ પોતાની ઓળખ અજય સ્ટીલના માલિક તરીકે થઈ હતી.

બાદ રુદ્ર ટીએમટી બાર્સનું કોપી કરી રુદ્રાક્ષ ટીએમટીના નામે નામે વેચાણ, ઉત્પાદન, સંગ્રહ, જાહેરાત અને સપ્લાય કરવા કોપીરાઈટ રજીસ્ટ્રેશન કરાવેલ છે કે કેમ તેમ પૂછતાં યામીન ગાંજાએ જણાવ્યું હતું કે, રુદ્રાક્ષ ટીએમટી બ્રાન્ડના માલિક કનૈયાલાલ તુલસીદાસ પટેલ (રહે.સોલા, અમદાવાદ) એ રુદ્રાક્ષ નામે ટ્રેડ માર્ક કરાવ્યો છે તેમ કહી ટ્રેડમાર્ક બતાવ્યો હતો પણ કોપીરાઈટ રજીસ્ટ્રેશન નહિ કરાવ્યાનું જણાવ્યું હતું. બાદમાં યામીન ગાંજાએ રુદ્રાક્ષ ટીએમટી બ્રાન્ડના માલિક કનૈયાલાલ તુલસીદાસ પટેલ સાથે તેમના માલનું ઉત્પાદન કરી તેમના જણાવ્યા મુજબ સપ્લાય તથા વેચાણ કરવાના એગ્રીમેન્ટ કરેલ હોવાનું જણાવી એગ્રીમેન્ટ રજૂ કરેલ હતું જેથી પોલીસે ફેક્ટરીમાં ચેક કરતા રુદ્રાક્ષ ટીએમટી બ્રાન્ડ ની ઉત્પાદન થતું હોવાનું ધ્યાને આવ્યું હતું .
બાદમાં રુદ્ર ટીએમટીના બદલે તેને ભળતા નામ વાળા રુદ્રાક્ષ ટીએમટી બ્રાન્ડની બાર્સના રેપર વાળા 60,500 કિલો લોખંડના સળિયા, પેકેઝિંગ મટીરીયલ, ડાય મળી કુલ રૂ. 32.30 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. મામલામાં સીઆઈડી ક્રાઇમની ટીમે અમદાવાદના કનૈયાલાલ તુલસીદાસ પટેલ અને રાજકોટના યામીન મહંમદભાઈ ગાંજા વિરુદ્ધ કોપીરાઈટ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
