જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા મળી
ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ દ્વારા ગેરકાયદેસર બાંધકામ મંજૂરી જો આપવામાં આવી હોય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા જીતુ સોમાણીની માંગ
મોરબી જિલ્લાની ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં તત્કાલીન ડીડીઓ જે એસ પ્રજાપતિ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં બાંધકામ માટે તાલુકા પંચાયતના ઇજનેરનો અભિપ્રાય ફરજિયાત કરવા સહિતના ત્રણ પરિપત્ર અમલી બનાવ્યા હતા. આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સામુહિક ઠરાવ કરીને આ ત્રણેય પરિપત્ર રદ કરવામાં આવ્યા છે.
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓની અધ્યક્ષતામાં આજે ખાસ સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં દસ દરખાસ્ત એજન્ડામાં સામેલ કરવામાં આવી હતી. ખાસ સામાન્ય સભામાં બાંધકામ મંજૂરી માટેના અગાઉના ત્રણ પરિપત્ર રદ કરવાનો મુખ્ય મુદ્દો ઉમેરવામાં આવ્યો હતો જે ત્રણેય પરિપત્ર રદ કરવા સામુહિક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. સાથે એવો ઠરાવ પણ કરવામાં આવ્યો છે કે જે ગ્રામ પંચાયત ગેરકાયદેસર બાંધકામને મંજૂરી આપશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત સ્વભંડોળના રૂ.૪૫ લાખના કામને સૈદ્ધાંતિક મંજૂરી અને રૂ.૫ કરોડના કામને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
ડીડીઓએ જણાવ્યું કે મોરબી જિલ્લામાં દોઢેક વર્ષના ગાળામાં બાંધકામ મંજુરી સંદર્ભે ત્રણ પરિપત્ર અમલમાં મુકવામાં આવ્યા હતા. જેનાથી ઉદ્યોગકારો, બાંધકામ વ્યવસાયિકો અને સામાન્ય નાગરિકોને હાલાકી પડી રહી હોવાની લોકપ્રતિનીધીઓની રજુઆત મળી હતી. આજની સામાન્ય સભામાં સભ્યોએ પૂરતી ચર્ચાઓને અંતે આ ત્રણેય પરિપત્ર રદ કર્યા છે. હવે રાજ્ય સરકારના બાંધકામના નિયમોને સુસંગત રહીને સામાન્ય નાગરિકોને કોઈ અડચણ ન રહે તે રીતે બાંધકામ મંજૂરી સંબંધે સૂચનાઓ બહાર પાડવાની રહે. સરકારના નિયમોનુસાર લોકોને સરળતા રહે તેવી પ્રક્રિયા અંગે હવે અમે વિચારણા કરીશું.
ખાસ કરીને આ બેઠકમાં હાજર રહેલા વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કહ્યું હતું કે, સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારના પત્રો કે પરિપત્રોનું છેલ્લા ઘણા વર્ષોથી કોઈપણ જગ્યાએ અમલીકરણ થતું નથી તો મોરબી જિલ્લા પંચાયતમાં જ્યારે તત્કાલીન ડીડીઓ દ્વારા બાંધકામ મંજૂરીને લગતા પત્રો અને પરિપત્રો કરવામાં આવ્યા ત્યારે વર્તમાન બોડી શું કરતી હતી? અને હાલમાં જે ઠરાવ કરવામાં આવ્યો છે તેને ધ્યાનમાં રાખીને તેમણે એવી ટકોર કરી હતી કે મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં સરપંચ દ્વારા ગેરકાયદેસર બાંધકામ મંજૂરી જો આપવામાં આવી હોય તો તે સરપંચની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેની પણ હવે જે પત્ર કે પરિપત્ર ડીડીઓ મારફતે કરવામાં આવે તેમાં નોંધ કરવામાં આવે તે જરૂરી છે.
આ બેઠકમાં જુદા જુદા વિકાસ કામોના જે એજન્ડા હતા તે એજન્ડાને પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને મોરબી જિલ્લામાંથી પેરામિલ્ટ્રી ફોર્સમાં ફરજ બજાવતા કોઈપણ યુવક યુવતી જો ફરજ દરમિયાન શહીદ થાય તો તેના પરિવારને જિલ્લા પંચાયત મારફતે બે લાખ તથા જિલ્લા પંચાયતના કર્મચારી ફરજ દરમિયાન અવસાન થાય તો બે લાખ રૂપિયા આપવા માટેનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો…