હાલ, સહકારી મંડળીઓ શેરની રકમ ઉપર 15 ટકા સુધીની મર્યાદામાં જ ડિવિડન્ડની વહેંચણી કરી શકતા હતા
5 લાખથી વધુ ખરીદી માટે ઈ-ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત છે
ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 87000 થી વધુ સહકારી મંડળીઓના લાખો સભાસદોના હિતમાં સહકારી મંડળીઓને 20 ટકા સુધી ડિવિડન્ડ વેચવાની મંજૂરી આપી છે. જેના થકી દર વર્ષે અંદાજીત કરોડો રૂપિયાનો ફાયદો થશે.
હાલની સ્થિતિએ ગુજરાતમાં સહકારી મંડળીઓ શેરની રકમ ઉપર 15 ટકા સુધીની મર્યાદામાં જ ડિવિડન્ડની વહેંચણી સભાસદોને કરી શકતા હતા, પરંતુ રાજ્ય સરકારના 11 ઓગષ્ટ, 2023ના નોટિફિકેશનની ડિવિડન્ડની મર્યાદા 20 ટકા કરવામાં આવેલા છે.
જેના કારણે સહકારી મંડળીઓ ચોખ્ખા નફામાંથી સભાસદોની શેરની રકમ ઉપર 20 ટકા સુધી ડિવિડન્ડ વહેંચશે, ત્યારે સભાસદોને દર વર્ષે 5 ટકા વધારાનો સીધો ફાયદો થશે.
વધુમાં સહકારી મંડળીઓ દ્વારા ખરીદીને વધુ પારદર્શક બનાવવા ગુજરાત સરકાર દ્વારા તારીખ 31 જુલાઇ, 2023ના જાહેરનામાથી રાજ્યની ટોચની સહકારી મંડળીઓ, સમવાયી સહકારી મંડળીઓ, નિર્દિષ્ટ સહકારી મંડળીઓ, નાગરિક સહકારી બેંક અને ખાંડ સહકારી મંડળીઓને રૂપિયા 5 લાખથી વધુ ખરીદી માટે ઈ-ટેન્ડર પ્રક્રિયા ફરજિયાત કરવામાં આવી છે.
નોંધનીય છે કે, રાજ્યની સહકારી મંડળીઓમાં થતી ખરીદીને પારદર્શક બનાવવા ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ 1961માં કલમ-156 A ઉમેરવામાં આવેલ હતી, પરંતુ કઈ સહકારી મંડળીઓએ ઈ-ટેન્ડરિંગ કરવું તથા કેટલી રકમની ખરીદી માટે ઈ-ટેન્ડરિંગ કરવું તે બાબત નક્કી થયેલ ન હતી.