વાંકાનેરના ત્રણ ભરવાડ શખ્સોનો સમાવેશ
મોરબીના મકનસર ગામે આવેલ ગોકુલનગરમાં સ્વામી વિદ્યાલયની શેરી પાછળ રહેતા અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતાં રસીકભાઇ રતીલાલભાઇ ચાવડા (49)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અર્જુનભાઈ ઉર્ફે અજુ રાઘવભાઈ ગમારા, જગદીશભાઈ ઉર્ફે બલી નાજાભાઈ વરૂ, ચંદુભાઈ નાથાભાઈ વરૂ રહે. ત્રણેય ભરવાડપરા નવા બસ સ્ટેન્ડ સામે વાંકાનેર અને બીપીનભાઈ જેમલભાઈ ધામેચા રહે. ભક્તીનગર-2 નવ મકનસર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે કે, આજથી ત્રણેક વર્ષ પહેલા કોરોના સમયે ધંધો પડી ભાંગેલ હતો. અને ત્યારે તેના પિતા રતીલાલભાઈને કોરોનાની અસર થતા તેને રાજકોટ હોસ્પિટલમાં સારવારમાં દાખલ કરેલ હતા ત્યારે રૂપિયાની જરૂર હતી જેથી કરીને ચંદુભાઈ ભરવાડ પાસેથી પાંચ લાખ રૂપીયા પાંચ ટકા વ્યાજ લેખે રોકડા લીધેલા હતા. જેની સામે સતત બે વર્ષ સુધી ફરિયાદી દર મહિને 25000 વ્યાજ આપેલ હતું જેથી કરીને કુલ 6 લાખ રૂપિયા ચંદુભાઈ ભરવાડને આપેલ છે અને
જો પૈસા દેવામાં મોડુ થાય તો ચંદુભાઈ ભરવાડે ફરિયાદીને વાંકાનેર ખાતે બોલાવીને જાનથી મારી નાખવાની ધાક ધમકી પણ આપી હતી. વ્યાજે આપેલા રૂપીયા હાથ ઉછીના આપેલા છે એવું લખાણ કરાવીને વૈશાલી ટ્રાન્સપોર્ટના એકસીસ બેંકના એકાઉન્ટના સહી વાળા બે કોરા ચેક ફરિયાદી પાસેથી લીધેલ હતા. ત્યાર બાદ ફરિયાદીના પિતાને હાર્ટ એટેક આવતા તેને મોરબીની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ને
ત્યારે સારવારના ખર્ચ માટે તેમજ ધંધા માટે પૈસાની જરૂરીયાત પડતા તેને ચંદુભાઈ ભરવાડના ભાઈ જગાભાઈ ભરવાડ પાસેથી કુલ મળીને સાત લાખ રૂપિયા લીધેલ હતા અને તેનું દર મહિને 35000 વ્યાજ ફરિયાદી ભરતો હતો. અને અત્યાર સુધીમાં તેને 4.20 લાખ રૂપિયા આપી દીધેલ છે. તો પણ જગાભાઈએ ફરિયાદીની ટ્રાન્સપોર્ટની ઓફીસે આવીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેની સહી વાળા ચેક લઈ ગયેલ છે અને દોઢેક વર્ષે પહેલા અજાભાઈ ભરવાડ પાસેથી ધંધા માટે સમયાંતરે કુલ મળીને પાંચ લાખ રૂપિયા વ્યાજે લીધેલ હતા જેની સામે વ્યાજ આપવામાં આવતું હતું તો પણ અજાભાઈએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બળજબરીથી તેની સહી કરાવીને તારીખ વગરનો પાંચ લાખની રકમનો ચેક વૈશાલી ટ્રાન્સપોર્ટના એકાઉન્ટનો લઈ લીધેલ છે. ત્યાર બાદ
ધંધા માટે બીપીનભાઈ દરજી પાસેથી આશરે અઢી વર્ષ પહેલા સાત લાખ રૂપિયા વ્યાજે લીધેલ હતા અને વ્યાજ આપતો હતો જો કે, છેલ્લા બે મહીનાથી વ્યાજની રકમ આપવાની વ્યવસ્થા ન થતા વ્યાજની રકમ આપેલ ન હતી. જેથી ચંદુભાઇ ભરવાડ, જગાભાઈ ભરવાડ તથા અજાભાઈ ભરવાડે ફોન કરીને વ્યાજે આપેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી અને જો રૂપિયા નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપેલ છે. તેમજ તેની પાસે રહેલા ચેકને બેન્કમાં જમા કરાવી ચેક બાઉન્સ કરાવી ફસાવી દેવાની ધમકીઓ આપેલ છે. આવી જ રીતે બીપીનભાઈ દરજીએ ફરિયાદી યુવાનને કહ્યું હતું કે, “પૈસા નહીં આપો તો હું તમને જાનથી મારી નાંખીશ કાં તો હું તમારા ઘરમાં આવી ઝેરી દવા પી મરી જઈશ અને તમને બધાને જેલમાં ધકેલી દઈશ” એવી ધમકી આપેલ હતી.
આ ગુનામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.ડી. જોગેલા અને તેની ટીમે આરોપી અર્જુનભાઈ ઉર્ફે અજુ રાઘવભઈ ગમારા (33), જગદીશભાઈ ઉર્ફે બલી નાજાભાઈ વરૂ (40) અને ચંદુભાઈ નાથાભાઈ વરૂ (33) રહે. ત્રણેય ભરવાડપરા નવા બસ સ્ટેન્ડ સામે વાંકાનેર અને બીપીનભઈ જેમલભાઈ ધામેચા (60) રહે. ભક્તીનગર-2 નવ મકનસર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે…