શિક્ષણ વિભાગમાં થયેલ ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડની ફરિયાદ માટે ડીપીઇઓને અધિકૃત કરવામાં આવ્યા
બીજા કોઈના પણ તેને આશીર્વાદ હતા કે કેમ; તે હવે પોલીસ તપાસમાં સામે આવશે?
વાંકાનેર: વાંકાનેર તાલુકામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણ વિભાગમાં થયેલ કૌભાંડની માહિતી સામે આવી રહી હતી અને તેની તપાસ કરવામાં આવી રહી હતી, જેના અંતે ડીડીઓ દ્વારા ડીપીઇઓને ફરિયાદ નોંધાવવા માટે અધિકૃત કરવામાં આવતા વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં કરાયેલ ૫૩ લાખનું કૌભાંડમાં હાલમાં ત્રણ શિક્ષકોની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ઉચાપત અને નાણાકીય ગેરરીતિની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ રહી હોવાનું જાણવા મળેલ છે. જો કે સીટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા આ લખાય છે, ત્યાં સુધીમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી, તેવું જાણવા મળે છે.


વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યું છે અને કૌભાંડની તપાસ સમિતિ દ્વારા કરવામાં આવી હતી. તેના આધારે ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું હોવાની માહિતી સામે આવી હતી; જેથી કરીને સરકારી નાણાની ઉચાપત કરનારાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજાએ ડીપીઇઓને અધિકૃત કરવામાં આવ્યા છે. વધુમાં આ બાબતે મોરબીના ડીડીઓ ડી.ડી. જાડેજા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, ૫૩ લાખ રૂપિયાનું કૌભાંડ કરવામાં આવ્યું છે, તેમાં હાલમાં અરવિંદભાઇ પરમાર, અબ્દુલભાઈ શેરસીયા અને હિમાંશુભાઈ પટેલ સામે ફરિયાદ નોંધાવવામાં આવશે. તેના માટે ડીપીઇઓને અધિકૃત કરવામાં આવ્યા છે.


અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેર તાલુકાનાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ સહિતના બાબતોમાં કૌભાંડ કરવામાં આવ્યા છે, તેમાં આ ત્રણ શિક્ષકો જ સંડોવાયેલા છે કે પછી બીજા કોઈના પણ તેને આશીર્વાદ હતા કે કેમ; તે હવે પોલીસ તપાસમાં સામે આવે છે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે.