કેમેરા ફીટ કરાવતા પાડધરાના યુવકને માર
વાંકાનેરના જામસર ખાતે ખાણની લીઝ ધરાવતા રમેશભાઈ ચનાભાઇ ઓડેદરા (ઉ.વ.૪૮)ને ખાણની લીઝ મળી હોઇ આ બાબતે ધંધાખાર રાખી કુવાડવાના જીગર નામના શખ્સે ફોન કરી ગાળો દઇ ધમકી દેતાં તાલુકા પોલીસમાં ફરિયાદ થઇ છે. સવારે આ બનાવ બાદ સાંજે રમેશભાઈની લીઝની ખાણ ખાતે કર્મચારી વાંકાનેરના પાડધરા ગામે રહેતા મહેશ દેવાભાઇ ઓડેદરા (ઉ.વ.૨૩) પર ત્રણ શખ્સોએ ઝઘડો કરી પથ્થર-બેલાથી હુમલો કરતાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ બનાવ અગે તાલુકા પોલીસે રાજકોટના મોટા મવા કદંબ હાઇટ્સ ખાતે રહેતાં રમેશભાઈ ચનાભાઇ ઓડેદરા (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી કુવાડવાના જીગર પ્રવિણભાઇ કરમુર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રમેશભાઇના કહેવા મુજબ હું ખાણ ખનીજને લગતો વેપાર કરુ છું. હાલમાં મને વાંકાનેરના જામસર ચોકડીએ બેલાની ખાણની લીઝ મળી છે. બપોરે મને ચારેક ફોન આવ્યા હતાં પરંતુ કામમાં હોઇ રિસીવ કર્યા નહોતાં. બાદમાં ઘરે આવતાં બીજા ત્રણ કોલ આવતાં મેં સાંજે ફોન કરી કોણ બોલો છો? પુછતાં તેણે ગાળો દીધી હતી અને તું ક્યાં છે આજે તને મારી જ નાખવો છે હું દસ જ મિનીટમાં તું જ્યાં હો ત્યાં આવુ છું કહી ધમકી દઇ ફોન કાપી નાખ્યો હતો. તપાસ કરતાં કુવાડવાના પ્રવિણભાઇ કરમુર કે તેઓ પણ ખાણખનીજને લગતું કામ કરતાં હોઇ તેના દિકરા જીગરે ધંધાખારને કારણે મને ધમકી દીધાનું જણાતાં ફરિયાદ કરી હતી…
બીજી તરફ જામસરની રમેશભાઈની ખાણ ખાતે વાંકાનેરના પાડધરા ગામે રહેતો મહેશ દેવાભાઇ ઓડેદરા (ઉ.વ.૨૩) નોકરી કરતો હોઇ તે બેલાની ખાણ ખાતે કેમેરા ફીટ કરાવતો હતો ત્યારે ત્રણ શખ્સોએ આવી માર મારી બેલા-પથ્થરથી ઇજા પહોંચાડતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં પોતાને પ્રવિણ કરમુર, પ્રફુલ ભુવા અને પ્રદિપે માર માર્યાનું જણાવતાં તે મુજબની નોંધ એએસઆઇ રામશીભાઇ વરૂ, હેડકોન્સ. અશ્વિનભાઇ રાઠોડ, કોન્સ. ભાવેશભાઇ, તોફિકભાઈ, ધર્મેન્દ્રભાઇએ વાંકાનેર તાલુકા પોલીસમાં કરાવી હતી. મહેશ તેના ગામથી ચારેક કિ.મી. દૂર આવેલી બેલાની ખાણ ખાતે કામ કરે છે. દેખરેખ રાખવા માટે કેમેરા ફીટ કરાવતો હતો ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે…