વાંકાનેર શહેરમાં આવેલ લોક સેવા કેન્દ્ર ખાતે ફરજ બજાવતા કર્મચારી પાસેથી સરકારી યોજનાની માહિતી મેળવ્યા બાદ તેને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરીને ઝાપટ મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જેથી કરીને માથાકૂટ કરનારા શખ્સની સામે હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેરના મિલ પ્લોટ શેરી નં-૫ માં રહેતા વિનોદભાઈ રામદાસભાઇ રાઠોડ જાતે અનુસૂચિત જાતિ (વણકર સાધુ)એ હાલમાં ટંકારા તાલુકાના નસીતપર ગામે રહેતા રાજેશભાઈ બરાસરાની સામે ફરિયાદ નોંધાવેલ છે, જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓ વાંકાનેરમાં ભાજપ કાર્યાલયની બાજુમાં આવેલ લોક સેવા કેન્દ્ર ખાતે છેલ્લા દોઢેક વર્ષથી લોકોને સરકારી યોજનાની માહિતી આપવાની કામગીરી કરી રહ્યા છે; ત્યારે લોક સેવા કેન્દ્ર ખાતે આવેલ રાજેશભાઈએ તેને સરકારી યોજનાની માહિતી પૂછી હતી અને ત્યારબાદ સરકારની યોજનાઓમાંથી કેટલીક યોજનાઓનો લાભ જાતિ આધારિત મળતો હોય છે, તેવું તેમણે પૂછ્યું હતું. જેનો જવાબ આપતા આમાંથી મોટાભાગની યોજનાઓ અનુસૂચિત જાતિ માટેની જ છે, અમારા જેવા સવર્ણોને તો આ યોજનાનો કોઈ લાભ મળતો નથી, એવું કહ્યું હતું અને ત્યારબાદ તેણે ફરિયાદી યુવાન સાથે બોલાચાલી કરી હતી અને ગાલ ઉપર ઝાપટ મારીને જેમ ફાવે તેમ બોલીને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરલે અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આઇ.પી.સી.કલમ- ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨) તથા અનુસુચિત જાતિ અને અનુ.જનજાતિ પ્રતિબંધ અધિનિયમ કલમ ૩(૧) (આર) (એસ).૩(૨) (૫-એ) મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.