વાંકાનેર: તાલુકાના રંગપર ગામના ટ્રાન્સપોર્ટરની આઇસર ગાડીઓ કારખાનાઓમા ફેરામા ચાલતી હોય તેમજ જાલીડા ગામના શખ્સની પણ ગાડીઓ કારખાનાના ફેરાઓમા ચાલતી હોય જેઓ સાથે ફેરા બાબતે અગાઉ બોલાચાલી થયેલ હતી, જેનો ખાર રાખી બે જણા ઉપર હુમલો કર્યાની ફરિયાદ થઇ છે..જાણવા મળ્યા મુજબ હાઈવે ઉપર સોમનાથ હોટલ ચલાવતા અને ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરતા ગભરૂભાઇ રતાભાઈ જીવાભાઇ સામળ જાતે.રબારી (ઉ.વ.૩૮) રહે. રંગપર તા.વાંકાનેર વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે અમારે ત્રણ આઇસર છે, જે ગામ નજીક આવેલ કારખાનાઓમા ફેરા કરી ગુજરાન ચલાવુ છુ…
તા.૩૧/૦૧/૨૦૨૫ ના રોજ સાંજના હુ તથા મારા કાકાનો દિકરો દશરથભાઇ દેવશીભાઇ સામળ એમ અમો બન્ને સોમનાથ હોટલ ખાતે હાજર હતા ત્યારે એક સફેદ કલરની સ્વીફટ ગાડી હોટલે આવી ઉભી રહેલ અને જેના રજી નંબર જીજે-૩૬-એસી-૫૦૫૬ વાળી માંથી હીરાભાઈ કરણાભાઇ લોહ રહે. જાલીડા વાળા ગાડી ચલાવતા હોય અને સાદુલભાઇ મેરાભાઇ લોહ, પોલાભાઈ લાખાભાઇ લોહ તથા રામાભાઇ ભીમશીભાઈ લોહ રહે. બધા જાલીડા વાળા નીચે ઉતરેલ અને આ સાદુલભાઇના હાથમા લોખંડનો પાઇપ તથા હીરાભાઇના હાથમા કુંડલી વાડી લાકડી તથા પોલાભાઇના હાથમા લાકડી તથા રામાભાઇના હાથમા લાકડી લઇને મારી પાસે આવેલ અને આ સાદુલભાઇ મને કહેવા લાગેલ કે ‘તમે તમારી આઇસર ગાડીઓ કોઇ કારખાનામાં ચલાવશો નહી’, તેમ કહી આવનાર બધા મારી સાથે ગાળાગાળી કરવા લાગેલ, ના પાડતા
તેઓ બધા એકદમ ઉશકેરાઇ ગયેલ અને સાદુલભાઇએ તેના હાથમા રહેલ લોખંડના પાઇપનો એક ધા મને માથાના ડાબી બાજુના ભાગે મારેલ અને હીરાભાઈ તથા પોલાભાઈ પણ તેમની પાસે રહેલ લાકડી વડે મને વાસાના ભાગે તથા શરીરે માર મારવા લાગેલ અને આ વખતે મારા કાકાનો દિકરો દશરથભાઈ મને છોડાવવા આવતા આ રામાભાઇએ લાકડીનો એક ઘા આ દશરથભાઇના માથાના ભાગે મારેલ અને બીજા કુંટુંબી ભાઇઓ ભરતભાઇ તથા બીજલભાઈ વભાભાઈ તથા વાલાભાઇ જીવણભાઇ વિગેરે આવી ગયેલ અને તેઓએ અમોને વધુ મારથી છોડાવેલ અને આ સાદુલભાઇ તથા હિરાભાઇએ જતા જતા મને કહેલ કે ‘અત્યારે તો તુ બચી ગયેલ છે અને હવે પછી મને ભેગો થઇશ તો જાનથી મારી નાખીશ’ તેમ કહી બાદમા આ બધા સ્વીફ્ટ ગાડી લઇને ત્યાંથી નીકળી ગયેલ. મારા કુટુંબીક ભાઇ વાલાભાઇ જીવણભાઇ સામળ તેમની ગાડીમા સારવાર અર્થે વાંકાનેર ખાતે ખાનગી હોસ્પીટલમા લાવેલ હતા. પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…