દબાણ હટાવવાની કામગીરીની લોકોમાં થઇ રહેલી સરાહના
કાર્યવાહી દો દિનકી ચાંદની ન બની રહે અને તમામ દબાણો દૂર કરવામાં આવે એવી લોકલાગણી
વાંકાનેર: વાંકાનેરમાં સબ ભૂમિ ગોપાલ કી સમજીને નગરપાલિકાની જમીનમાં મન ફાવે એવા દબાણ કરવા લાગતા ચીફ ઓફિસર ચોકી ઉઠયા હતા. તેણે શહેરમાં જે લોકોએ દબાણ કર્યા છે, એ બધાને નોટિસ આપી દબાણ દૂર કરી નાખવા તાકીદ કરી છે.
વાંકાનેરમાં લોકોને નુકસાન કરે એવી મિલકતોનું સર્વે ચાલુ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જેના બાંધકામ નબળા પડયા છે; એને મરામત કરાવી લેવાથી ઓફિસરે તાકીદ કરી છે. સર્વે દરમિયાન ગ્રીનચોક ગઢની રાંગ પાસે પાલિકાની જગ્યામાં ચાલી રહેલા ગેરકાયદે બાંધકામને પોલીસની ટીમ સાથે રાખી હટાવી દેવામાં આવ્યું હતું.
આ સમયે લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા શહેરમાં વર્ષો જૂના જોખમી મકાનો અંગે સર્વે ચાલુ કરાયો છે. આ ઉપરાંત પાલિકાની જમીનમાં જે કોઈએ દબાણ કર્યું હોય તેની વિગતો પણ એકત્ર કરવાનું ચાલુ કર્યું છે.
વાંકાનેરમાં કાયદાનો કોઈ ખૌફ ન હોય તે રીતે દબાણ થઇ ગયું છે. ભૂતકાળમાં દબાણ હટાવવાની કામગીરીમાં વ્હાલા-દવાલાની નીતિના આક્ષેપો થયેલા છે. દબાણ હટાવવાની દિશામાં થયેલ કામગીરીની લોકોમાં સરાહના થઇ રહી છે અને કાર્યવાહી દો દિનકી ચાંદની ન બની રહે અને તમામ દબાણો દૂર કરવામાં આવે એવી લોકલાગણી છે.