ત્રણ માસ પૂર્વે પરણેલા પતિ-પત્ની વચ્ચે બનેલી ઘટના
વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ઢુંવા રોડ ઉપર કારખાનાના લેબર કવાટર્સમા રહેતા મધ્યપ્રદેશના વતની શ્રમિક યુવાનને તેની જ પત્નીએ અન્ય સ્ત્રી સાથે પતિ વાત કરતો હોવાની શંકાના આધારે કુહાડાનો ઘા ઝીકી રહેંસી નાખતા ચકચાર જાગી છે.
આશ્ચર્ય તો એ વાતનું છે કે મૃતકના હજુ ત્રણેક માસ પૂર્વે જ લગ્ન થયા હતા. હાલમાં આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે યુવાનની પત્નીને અટકાયતમાં લઈ લીધી છે.
આ ચોંકાવનારા અને સમાજ માટે લાલબત્તી રૂપ કિસ્સાની વિગત જોઈએ તો વાંકાનેર તાલુકાના માટેલ ઢુંવા રોડ ઉપર આવેલ શિવ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાના લેબર કવાટર્સમા રહેતા મધ્યપ્રદેશના વતની અર્જુનભાઇ સુમસિંહ ડામોર નામના યુવાનને તેની જ પત્ની કાળીબેને તા.3ના રોજ મધ્યરાત્રીએ માથામા આંખ ઉપર તેમજ હાથના ભાગે કુહાડાના ઘા ઝીકી દેતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યા અર્જુનભાઈએ દમ તોડી દીધો હતો.
બીજી તરફ રાજકોટ પોલીસે વાંકાનેર તાલુકા પોલીસને બનાવ અંગે જાણ કરતા વાંકાનેર તાલુકા પોલીસ તાકીદે રાજકોટ સિવિલ હોસ્પિટલ દોડી ગઈ હતી અને બનાવ અંગે મૃતક અર્જુનની પત્નિની પૂછતાછ કરતા મૃતક અર્જુનના ત્રણ માસ પૂર્વે લગ્ન થયા હોવાનું અને અર્જુન અન્ય મહિલા સાથે મોબાઈલમાં વાતચીત કરતો હોવાની શંકાને આધારે ઝઘડો થતા રાત્રીના કુહાડાના ઘા ઝીકયા હોવાનું ખુલ્યું હતું. હાલમાં વાંકાનેર તાલુકા પોલીસે અર્જુનની હત્યા અંગે ગુન્હો નોંધી હત્યા નિપજાવનાર કાળીને ગિરફતમાં લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળે છે.