વાંકાનેરમાં બાળકોને સ્વેટરનું વિતરણ
વાંકાનેરમાં નગરસેવક જીગ્નેશ નાગ્રેચાએ તેમના માતા સ્વ. પદમાબેન મહેશભાઈ નાગ્રેચાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે સેવા કાર્ય દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ ,કરી હતી, આ પ્રસંગે શાળાના બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને તેમને ભૂંગળા બટેટા ખવડાવવામાં આવ્યા હતા,


સ્વ. પદમાબેન મહેશભાઈ નાગ્રેચા જિનપરાના રહેવાસી હતા અને શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. તેઓ જીવનપર્યંત સેવાકાર્યો સાથે સંકળાયેલા રહ્યા હતા. શિક્ષણની સાથે ગરીબોને મદદ કરવી, શિયાળામાં ધાબળા વિતરણ કરવા, ભૂખ્યાને ભોજન આપવું અને બાળકોને બટુક ભોજન કરાવવું એ તેમનો સ્વભાવ હતો. તેમણે પંથકમાં સેવાભાવી તરીકે નામના મેળવી હતી.


માતાના સેવાકાર્યોના માર્ગે આગળ વધીને, પુત્ર જીગ્નેશભાઈ નાગ્રેચાએ આ સેવાની જ્યોત ચાલુ રાખી છે. આજે જિનપરાની ગોસ્વામી સમાજની વાડી ખાતે શ્રી સરસ્વતી શક્તિ પ્રાથમિક શાળાના તમામ બાળકોને એકત્ર કરવામાં આવ્યા હતા. શિયાળાની ઠંડીમાં હૂંફ પૂરી પાડવા માટે તેમને સ્વેટરનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત, બાળકોને ભાવતા ભૂંગળા બટેટા પણ ખવડાવીને માતાને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


આ સત્કાર્ય થકી માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પાલિકા પ્રમુખ ડિમ્પલબેન સોલંકી, ઉપપ્રમુખ હર્ષિત સોમાણી, અન્ય નગરસેવકો, ભાજપ અગ્રણી ચેતનગિરિ ગોસ્વામી, શાળાના શિક્ષકો અને વિસ્તારના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા…

