બે બે વખત બીલ જમા કર્યા બાદ શિક્ષકોની સહી કરાવી લેતા હતા: અંગત ખાતામાં રકમ જતા કરવાનું કારસ્તાન
વાંકાનેર શિક્ષણ શાખામાં એક પછી એક ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં મળી રહેલી માહિતી મુજબ નિવૃત્ત થયેલ શિક્ષકોના રોકડ રજા રૂપાંતરમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે અને તેના કાગળ ઉપરના આધાર પુરાવા છે; તો પણ હજુ સુધીમાં અધિકારી કે પદાધિકારીએ દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવેલ નથી.
વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં થયેલ ભ્રષ્ટાચારની સમગ્ર જીલ્લામાં ચર્ચા ચાલી રહી છે. આમ છતાં અધિકારી અને પદાધિકારીના પેટના પાણી કેમ હાલતા નથી, તે સૌથી મોટો તપાસનો વિષય છે. વર્ષ 2017 થી 2020 દરમ્યાન આચરવામાં આવેલ ઘણા કૌભાંડ સામે આવ્યા છે. હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, ત્યાં વધુ એક ભ્રષ્ટાચારની વિગતો સામે આવી છે, જેમાં નિવૃત શિક્ષકોને નોકરી દરમ્યાન ન ભોગવેલ 300 જેટલી રજાનું રોકડ રૂપાંતર નિવૃત સમયે મળતું હોય છે.
ભ્રષ્ટાચારીઓએ એવી કળા કરી કે, જે શિક્ષકો નિવૃત થયા હોય એમનું રજા રોકડ બિલ માર્ચ માસમાં જમા કર્યું અને ત્યારબાદ જૂન માસમાં પણ જમા કર્યું હતુ અને જૂન માસમાં બીજી વખત રજાનું રોકડ બિલ જે જમા કરેલ હોય, એ શિક્ષકને બોલાવે અને આ લોકો કહે કે, ભૂલથી બીજી વખત રજાનું રોકડ બિલ જમા થઈ ગયું છે; એટલે આવા શિક્ષકોને કહેતા હતા કે, ચેક લખી દો, રકમ લખી દો, સહી કરી દો, રૂપિયા કયા હેડે જમા કરવા એ હેડનું નામ ઓફિસે પૂછીને પછી લખી નાખીશું. જો કે, પછી ભ્રષ્ટાચારીઑ પોતાના વ્યક્તિગત ખાતે આ ચેકને જમા કરી દેતા હતા. એવી જ રીતે જે શિક્ષકોની સર્વિસ બુકમાં 250 કે તેથી ઓછી રજા જમા હોય તો આ ભ્રષ્ટાચારી લોકો 300 રજાનો રોકડ રૂપાંતર પગાર જમા કરી દે અને એક જ મોડેસ ઓપરેન્ડી મુજબ જે તે શિક્ષકો પાસેથી ઉપરના રૂપિયાનો ચેક લખાવીને પોતાના વ્યક્તિગત ખાતે જમા કરી બેંકનું ડુપ્લીકેટ ચલણ જે તે શિક્ષકોને આપી દેતા. આવી રીતે વાંકાનેર શિક્ષણ શાખામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચર્યો છે. છેલ્લા ચારેક માસથી ગોકળ ગાયની ગતિએ તપાસ ચાલી રહી છે. ભ્રષ્ટાચારીઓની સામે કયારે અને કેવા પગલાં લેવામાં આવશે તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે.