ભાજપ પાર્લામેન્ટરી બોર્ડે ટૂંકા ગાળાનો ફાયદો જોયો
ખુરશી પર બેસાડવામાં ફાળો કોળી સમાજ અને મુસ્લિમ ભાજપી બે સભ્યોનો પણ છે
વજુભાઇ વાળા, ગુલમામદ બ્લોચ, મનજી માસ્તર, પરબતબાપા, જીતુ સોમાણી પોતાના સમાજના જાજા મતદારો ન હોવા છતાં રાજકીય કદ વધારી શક્યા
તાલુકામાં બહુમતી ધરાવતો કોળી સમાજ રાજકીય રીતે ટાંટિયાખેંચથી ઊંચો આવતો નથી
નવા તાલુકા પંચાયતના પ્રમુખે તકને ન ઓળખવાની ભૂલ કરવી જોઈએ નહીં, આ વાત કેસરીસિંહને પણ લાગુ પડે છે
જૂની પેઢીના વાંકાનેરવાસીઓને યાદ હશે કે 1967 માં મોટાબાવા (અબ્દુલમુત્તલિબ પીરઝાદા) એ કોળી સમાજને ભેગા કરી તાલુકા પંચાયતના પ્રમુખ માટે સામેથી કોળી આગેવાનના નામ માંગેલા, મોમીન પ્રમુખ બહુ આસાનીથી બનાવી શકતા હતા અને મોમીનોનો મોમીન જ પ્રમુખ બનાવવાનો આગ્રહ હોવા છતાં કોળી સમાજ તરફથી નામ આવતા રાયસંગ સરતાનને મોટાબાવાએ પ્રમુખ બનાવેલા, જેના મીઠા ફળ એમને 1972 ની ધારાસભાની ચૂંટણીમાં મળેલા. મનુ મહેતાને ખેડૂતની સંસ્થા- વાંકાનેર તાલુકા ખરીદ-વેચાણ સહકારી સંઘ સાથે ઝાઝી લેવા-દેવા નહોતી, બોર્ડમાં એક પણ સભ્ય વિરોધ પક્ષનો નહોતો, આમ છતાં મંજુરબાવાએ પોતે બનવાને બદલે મનુ મહેતાને વફાદારીના ઇનામ તરીકે આ સંસ્થાના પ્રમુખ બનાવેલા. રાજ હરપાળદેવજીના સોળમી કે સત્તરમી પેઢીના હાલના વારસદાર વાંકાનેરના ક્ષત્રિય સમાજના વંશજોએ આ વખતે તાલુકા પંચાયતમાં અઢી વર્ષના શાષન પછી આમ કરવાની જરૂર હતી.
વાંકાનેર તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ/ ઉપપ્રમુખના ઉમેદવારો કૈલાશબા હરિસિંહ ઝાલા અને દેવુબેન હનુભાઈ વીંઝવાડિયાને કુલ 13 મત, જ્યારે કોંગ્રેસના કુલસુમબાનુ ઉસ્માનગની પરાસરા અને રહીમ જલાલ ખોરજીયાને 08 મત મળતા ભાજપની જીત થઇ, એ વાત જૂની થઇ ગઈ. વિજેતાઓને અભિનંદન ! કોઠી સીટના વાલજીભાઇ ચૌહાણ અને લુણસર સીટના કિરીટભાઈ વસિયાણી કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહ્યા, એ પાછળ ક્યુ પરિબળ કામ કરી ગયું? એ વિષે હવે લખવાનો કોઈ અર્થ નથી.
અઢી વર્ષ પહેલા વઘાસિયાના વર્ષાબાને પ્રમુખ બનાવવા જેમણે પોતાની નાની-મોટી દાવેદારી જતી કરી એવા સાથીદારોને માત્ર પોતાના રાજકીય સ્વાર્થ માટે અન્યાય વ્યાજબી છે ખરો ? વાંકાનેર તાલુકાના રાજકારણમાં એક ક્ષત્રિયનું પંચાયત પ્રમુખ પદ હાસિલ કરવું નાનીસૂની વાત નહોતી. પ્રમુખની ટિકિટનો નિર્ણય પાર્લામેન્ટરી બોર્ડનો છે.
જિલ્લા ભાજપના અને રાજ્યના સંગઠન સમક્ષ લોબિંગ જેમને કર્યું- કરાવ્યું, પણ જિલ્લાના ભાજપના આગેવાનોએ અને રાજ્યના પાર્લામેન્ટરી બોર્ડે ટૂંકા ગાળાનો ફાયદો જોયો, આ નિર્ણય લાંબા ગાળા માટે પાર્ટી માટે નુકશાનકારક નીવડે તો નવાઈ નહીં. ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં માત્ર પાંચ ટકા કોળી મતદારો ભાજપને બદલે કોંગ્રેસને મત આપત તો પરિણામનો નકશો બદલી જાય છે, જિલ્લા ભાજપે આ હિસાબ માંડયો હોત તો અંદાઝ આવત કે આ નિર્ણયથી કોંગ્રેસને ભવિષ્યમાં કેટલો ફાયદો થઇ રહ્યો છે.
હાલના ચૂંટાયેલા નવા પ્રમુખને પંચાયત વહીવટનો કોઈ અનુભવ નથી, પ્રથમ વખત ચૂંટાયા અને નસીબમાં હતું તો પ્રમુખપદ મળ્યું. હવે એમની ફરજ બને છે માત્ર એક- બે પાત્રોની દોરવણીને બદલે સૌને સાથે લઈને આગળ વધવું. મૂર્ખ મિત્ર કરતા દાનો દુશ્મન સારો. ખુરશી પર બેસાડવામાં જેટલો ફાળો કોળી સમાજનો છે, એટલો જ બલ્કે એથી પણ વધુ મુસ્લિમ ભાજપી બે સભ્યોનો પણ છે- અગાઉ પણ હતો. કોંગ્રેસે બિનશરતી આ બંનેને પ્રમુખ/ ઉપપ્રમુખના હોદા માટે ટેકાની ઓફર કર્યાની ચર્ચા છે, ધારત તો ગુલમામદ અને હુસેનભાઇ માટે આમ કરવું મુશ્કેલ નહોતું, પણ એણે ગદ્દારી કરી નથી, એ બંનેની પાર્ટીને વફાદાર રહેવાની નોંધ લેવાવી જોઈએ. કદાચ એ બીકે જ બે સભ્યોને ગેરહાજર રાખવાની ભાજપે સ્ટ્રટેજી ઘડી હોય ! સામાન્ય સ્ત્રી અનામતમાં પીપળિયારાજના સભ્યનો છેદ ઉડાડયો- વિચાર સુધ્ધાં ન કર્યો, જિલ્લા ભાજપ અને રાજ્યના હોદેદારો તક ચુક્યા. વિજય ક્ષણે જે ટેકેદારો હાજર હતા, હોશિયાર ક્ષત્રિય આગેવાનોએ જોયું હશે કે કેટલાક સભ્યોની બોડી લેન્ગવેજ સાફ બયાન કરતી હતી કે એમને ગમ્યું નથી. ક-મને સ્વીકારવું પડયું છે. કેટલાક કોળી સમાજના આગેવાનોનો સૂર આવનાર સમય માટે કંઈક અલગ હતો. આગામી ચૂંટણીઓમાં ભાજપને આ ન નડે એવી આશા. કોળી સમાજનો ઝોક ભાજપ તરફી છે, કોળી મત સિવાય ક્ષત્રિય ઉમેદવારને ચૂંટાવું, બહુ બહુ અઘરું છે.
વજુભાઇ વાળા, ગુલમામદ બ્લોચ, મનજી માસ્તર, પરબતબાપા, જીતુ સોમાણી પોતાના સમાજના જાજા મતદારો ન હોવા છતાં રાજકીય કદ વધારી શક્યા, પણ બધા માટે આ શક્ય હોતું નથી. પીરઝાદા પરિવાર, મોમીન સમાજના અન્ય આગેવાનો કે પોપટ જીંજરીયાની જીત કમાલ નથી, કમાલ છે વજુભાઇ વાળા કે ગુલમામદ બ્લોચ પોતિકા મત ન હોવા છતાં જીતી શક્યા. જીતુ સોમાણીને ગાંડો ગણતા લોકો એ ભૂલે છે કે પોતાના ટેકેદારો સાથે કે કુદરતી આફતો વખતે ઝનૂનથી અડીખમ પડખે ઉભો રહે છે. (એક વાર મચ્છુ ડેમથી પાછા ફરતા જાલસીકાના પાધરમાં અમારી ખુલ્લી જીપ જોઈને પરબતબાપા દોડયા, જીપ આડે ઉભા રહી અમને પરાણે સમ આપી જમવા લઇ ગયા. રાજકીય રીતે અમે સામ-સામા હતા. દાનાભાઇ આહીર સામે અમે જિલ્લા પંચાયત જીતેલા. ફળીમાં ઢોલિયો, માખણનો પિંડો, રીંગણાંનો ઓળો, આહીર કુટુંબની એ મહેમાનગતિથી અમે એટલા અભિભૂત થયા કે આ વાત અંગત હોવા છતાં લખવાનો મોહ છૂટતો નથી. રાજકારણ રાજકારણની જગ્યાએ, પણ મારી માનવતા મારા ગામથી જમાડયા વગર જવા દેવાની ના પડે છે, એ આહીર બચ્ચા પરબતબાપાના શબ્દો આજ પણ અમારા કાનમાં ગુંજે છે. આ એની અમીરાતને સલામ!)
તાલુકામાં બહુમતી ધરાવતો કોળી સમાજ રાજકીય રીતે ટાંટિયાખેંચથી ઊંચો આવતો નથી, એ એમની કમનસીબી છે. કોઠીમાંથી બહાર નીકળવા મથતા આગેવાનને બીજો આગેવાન ટાંટિયો જ ખેંચે છે. પોપટ જીંજરીયાની ચૂંટણી સિવાય આ સિલસિલો ચાલુ જ છે. કોળી સમાજ જો એક હોત તો અત્યારે સ્થિતિ જુદી હોત. કોળી જ કોળીનું પત્તુ કાપે છે. આ વાક્ય કોઈને ગમે કે ન ગમે, પણ ઘાટ તો આવો જ દેખાય છે. યોગ્યતા હોય કે ન હોય સૌને આગેવાન બનવું છે, ‘હું’ માંથી ‘અમે’ બનતા આવડતું નથી. જ્યાં સુધી આ નહીં આવડે સમાજ થપાટો ખાધા કરશે. હમ સબ એક હે નો નારો હવાઈ જાય છે. અમને જેટલા નામ આવડે છે એ પ્રમાણે આમાં કાળુ કાંકરેચા, વાઘજી ડાંગરોચા, અજય વિંઝવાડિયા, રમેશ કાંજીયા, લક્ષમણ ધોરીયા, દિપક ગોધાણી, પ્રભુ વિંઝવાડિયા, અશ્વિન અને નવઘણ મેઘાણી, જિજ્ઞાસાબેન મેર, રતિલાલ અણીયારા, અરવિંદ અબાસણીયા, જગદીશ કૂણપરા, ગોરધન સરવૈયા, ભરત ઠાકરાણી, જસુ ગોહેલ, રાજન ડૈણીયા હોય, બધાને આ વાત લાગુ પડે છે. આમાં બીજા નામો પણ તમે ઉમેરી શકો છો. કોળી સમાજની મિટિંગમાં આ મુદ્દે મંથન થાય એ જરૂરી છે. કોળી સમાજ જોતો હશે કે થોડીઘણી ફાટફૂટ સિવાય મોમીન સમાજ એક રહે છે. પીરઝાદા પરિવારને એનો ફાયદો મળતો આવ્યો છે.
હવે નવા તાલુકા પંચાયતના પ્રમુખને વણમાંગી એટલી જ સલાહ કે સારું કામ લોકો વર્ષો સુધી યાદ કરશે. જે સભ્યો અન્યાય થયાની લાગણી અનુભવે છે, એમની નારાજગી દૂર કરવાને પ્રાથમિકતા આપજો. કારોબારીની નિમણૂકમાં પ્રાધાન્ય આપજો. તક મળી છે, તકને ન ઓળખવાની ભૂલ કરશો નહીં. આ વાત કેસરીસિંહને પણ લાગુ પડે છે. વાંકાનેરવાસીઓને તમારા સાંસદ બનવાની ખુશી છે. સ્વાગત, હારતોરા એટલે તો થાય છે. પણ વાત અહીં પતી નથી જતી. લોકોના પ્રશ્નો ઉકેલવા તરફ ધ્યાન આપજો. એક નમ્ર સૂચન છે, મહાલ દીઠ લોકોના પ્રશ્નો જાણવા અને ઉકેલવા સંમેલન ભરો અને તમારા કાર્યાલયમાં એક ટેબલ કોઈ નિવૃત કોળી કર્મચારીને બેસાડો, ઘણો ફર્ક પડશે.
વિચારીયે છીએ કે રાજકારણ કેટલું બદલાઈ ગયું? 1980 પહેલા પાર્ટીઓ વફાદારી અને પ્રમાણિકતાને મહત્વ આપતી હતી. હવે કોણ જીતી શકે છે, એ જોવાય છે. મૂલ્યો ઘસાયા, નાણા છલકાયા. મૂલ્યવાન હારી જાય છે- પૈસાદાર જીતી જાય છે. મતદારો પણ કેટલા બદલાઈ ગયા? નવઘણ મેઘાણીના પક્ષપલટા પછી પણ જીતાડે છે. ચૂંટણી આવે એટલે કેટલાકને તો જાણે કમાવવાની સીઝન આવી. આ અધોગતિ ક્યાં પહોંચશે? ખૈર..આજના રાજકારણમાં પ્રેમજી જેપાર કે મોહન ગેડીયા જેવા સંનિષ્ઠ ક્યાં લેવા જવા?
છેલ્લે એક વાત, અમને કોઈ આગેવાનથી નારાજગી નથી. કોઈ માણસ સંપૂર્ણ નથી. માત્ર આગેવાનોની ચાપલલૂસી કરવી એ પત્રકારિતા નથી. કાન આમળતા પણ આવડવું જોઈએ. અમે કચ્ચા ચીઠા ખોલતા રહીશું, જે ઠીક લાગે-અમને યોગ્ય લાગે- તે લખતા રહીશું. –નઝરૂદીન બાદી.