અદાણી ગ્રુપની મોટાભાગની કંપનીઓના શેરમાં ઘટાડાનો સિલસિલો ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો હતો. જેના કારણે અદાણી ગ્રુપને ત્રણ દિવસમાં 65 અબજ ડોલર (લગભગ રૂ. 5.3 લાખ કરોડ)નું નુકસાન થયું છે. ગયા બુધવારે અમેરિકાની એક શોર્ટ સેલિંગ કંપનીએ અદાણી ગ્રુપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા જે બાદ ગત સપ્તાહે બુધવાર અને શુક્રવારે અદાણી ગ્રુપની કંપનીઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આમાંથી કેટલીક કંપનીઓના શેરમાં પણ સોમવારે ધટાડો થયો હતો.
આ કારણે અદાણી ગ્રુપની કંપનીઓના માર્કેટ કેપમાં 65 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. શેરમાં ઘટાડાને કારણે કંપનીના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં પણ મોટો ઘટાડો થયો છે. ત્રણ દિવસમાં તેમની સંપત્તિમાં લગભગ $ 37 બિલિયન (લગભગ રૂ. 30,20,51,35,00,000)નો ઘટાડો થયો. ફોર્બ્સ અનુસાર, તે વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં આઠમા નંબરે સરકી ગયા છે.
અદાણી ગ્રૂપની લિસ્ટેડ દસમાંથી સાત કંપનીઓના શેરમાં આજે ત્રીજા દિવસે પણ ઘટાડો ચાલુ રહ્યો હતો. સૌથી મોટો ઘટાડો અદાણી ટોટલ ગેસ અને અદાણી ટ્રાન્સમિશનના શેરમાં આવ્યો છે. આ કંપનીઓના શેર 20 ટકાના ઘટાડા સાથે નીચલી સર્કિટ પર પહોંચ્યા હતા. અદાણી ગ્રીન એનર્જીના શેરમાં પણ 18.11 ટકાનો ઘટાડો થયો હતો. અદાણી પાવર, અદાણી વિલ્મર અને એનડીટીવી 5 ટકા અને અદાણી પોર્ટ્સ 1.11 ટકા ઘટ્યા હતા. ગ્રુપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ 3.3 ટકા ACC 0 48 ટકા અને અંબુજા 2.15 ટકા વધ્યા હતા.