જુના ગાડા માર્ગ કે ગામના રસ્તાને અડચણો ન પહોચે એ જોવા આગ્રહ
મોરબી: પવનચક્કી માટે ગામ પંચાયતે ઠરાવ આપતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતોને લઈને જીલ્લા વિકાસ અધિકારી દ્વારા મહત્વનો પરીપત્ર કરતા ભવિષ્યમાં થનાર પશ્ર્નો ટાળી શકાશે. ઉપરાંત ગામ સભામાં વંચાણે લેતા રહીશો પણ પોતાનો મત રજુ કરી શકશે.
સરકારશ્રીના ઠરાવ ક્રમાંક/જમન/૩૯૦૩/યુઓઆર/૨૯/અ હેઠળ વિન્ડ ફાર્મ માટે સરકારી જમીન ભાડા પેટે આપવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી મોરબી દ્વારા તમામ સરપંચો અને તલાટી કમ મંત્રી માટે પરીપત્ર બહાર પાડી અમલવારી કરવા માટે જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ વખતે ૧૧૦૦ મેગાવોટ ઉર્જાના વિન્ડ ફાર્મ ઉભા કરવા એમઓયુ કરવામાં આવ્યા છે, ત્યારે બિનખેતી હેતુથી વાણિજ્ય રહેઠાણ અને ઔધોગિક ભાડા પેટે આપવાની નિતી અમલમાં છે. જે અંતર્ગત ગામ પંચાયત વિન્ડ ફાર્મ બનાવવા માટે ભલામણનો ઠરાવ કરતી વખતે રાઈટ ઓફ વે રસ્તાની વિગતો તપાસણી કરે, મંજુર પ્લાન ચકાસણી કરી વિજલાઈનનો રસ્તો આવા જવા માટે ગૌચરનો ઉપયોગ ન થતો હોય એ સુનિશ્ચિત કરે, કામ ચાલુ થતા પહેલા સક્ષમ અધિકારીની પરવાનગી હુકમ, સવાલવાળી જમીનની માપણી શીટ કબજો સોપ્યાનુ પ્રમાણપત્ર રાખવું,
ભવિષ્યમાં આવી પવનચક્કી થકી સરકારની વિવિધ યોજનાઓમા નડતર ન બને એ જોવુ. જુના ગાડા માર્ગ કે ગામના રસ્તાને અડચણો ન પહોચે એ જોવું, અને સૌથી અગત્યની વાત એ છે કે પવનચક્કીની ગામ પંચાયત ઠરાવ દ્વારા પરવાનગી આપે એને ગામસભામાં વંચાણે લેવા અંતમા તાકિદ કરી છે. આ પરીપત્ર જીલ્લા વિકાસ અધિકારી શ્રી દિગ્વિજયસિંહ જાડેજા એ ૨૭/૭/૨૩ ના પરીપત્ર બહાર પાડી અમલવારી કરવા જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પવનચક્કી બાબતે અનેક રજૂઆતો કલેકટર કચેરીમાં કરવામા આવી છે ઉપરાંત પંચાયતને કે સભ્યો ને અંધારામાં રાખીને અથવા તો મોટી રકમનો વહેવાર કરી ઠરાવ કર્યો હોવાનું ખુલે આમ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ પરીપત્ર થકી સરપંચ અને તલાટી કમ મંત્રી અને ગામજનો પણ પુરતા કાગળો માંગી પછીજ મજુરી આપશે.