કર્મચારી ફીલ્ડમાં છે કે હકીકત કંઇક અલગ જ છે, તે જણાવા પ્રયોગ
વિડીયોકોલનો પ્રત્યુતર આપવામાં નિષ્ફળ જશે તો શિસ્તભંગ ગણાશે
મોરબી જિલ્લા પંચાયતના કર્મચારીઓને ફરજ પર નિયમિત કરવા માટે ડીડીઓ દ્વારા એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત કર્મચારીઓ ફિલ્ડ પર હાજર છે કે નહીં તેની જાણકારી માટે કર્મચારીઓને વિડીયો કોલ કરવામાં આવશે
અને જો કર્મચારી ફિલ્ડ પર હાજર હશે અને વિડીયો કોલ ઉપાડશે તો તેમની હાજરી ગણાશે અને જો કર્મચારી ફિલ્ડ પર હાજર નહીં હોય અથવા વિડીયોકોલનો પ્રત્યુતર આપવામાં નિષ્ફળ જશે તો શિસ્તભંગ ગણાશે અને કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે ડીડીઓ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે અનુસાર તેમના ધ્યાને આવ્યું છે કે જિલ્લા પંચાયતના કર્મચારી કચેરી કામ સબબ બોલાવવામાં આવે ત્યારે એવો જવાબ મળે છે કે તે કર્મચારી ફીલ્ડમાં ગયા છે. જ્યારે હકીકત કંઇક અલગ જ માલુમ પડેલ છે.
આથી કર્મચારી ખરેખર ફીલ્ડમાં ગયા છે કે નહી તેની ખરાઈ કરવા તેઓને વિડીયો કોલ કરવામાં આવશે. જે માટે બે અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. આ માટે ડી.એન.ઝાલરીયા, વિસ્તરણ અધિકારી(પંચાયત) અને સી.આર.વાઘેલા, જુનિયર કલાર્ક (વહીવટ)ને નિયુકત કરવામાં આવે છે,
આ બંને કર્મચારીઓ દ્વારા જયારે પણ વિડીયો કોલ કરવામાં આવે, ત્યારે જે તે કર્મચારી તથા અધિકારીને કોલ રીસીવ કરવા કડક સુચના આપવામાં આવે છે. જયારે પણ લગત કર્મચારી/અધિકારીને વિડીયોકોલ કરવામાં આવે ત્યારે તેનો પ્રત્યુત્તર આપવાનો રહેશે. આમાં નિષ્ફળ જશે તો તેવા કર્મચારીની ફરજ પરની ગેરહાજરી ગણવામાં આવશે. તે બદલ તેઓ વિરુધ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે. તેવું તેમણે જણાવ્યું હતું.