વતન જતા ઘવાયેલા શ્રમિક રાજકોટમાં કડીયાકામનો મજુર
વાંકાનેર તાલુકાના લુણસરીયા ગામ પાસે ચાલુ ટ્રેનમાં પડી ગયેલા શ્રમિકનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. બનાવની વિગત મુજબ, મૃતક મખન લોગુરામ કલેસરીયા (ઉ.વ.30) તા.5/7/25ના રોજ રાજકોટથી ટ્રેનમાં બેસી જઈ રહ્યો હતો ત્યારે બપોરના સમયે લુણસરીયા ગામની ફાટક પાસે ચાલુ ટ્રેનમાંથી તે પડી ગયો હતો. તેને ગંભીર ઈજા થતા પ્રથમ વાંકાનેર સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો.

જયાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે રીફર કરવામાં આવ્યો હતો. અહીં ઈમરજન્સી વિભાગમાં તેની સારવાર ચાલુ હતી. દરમિયાન આજે તા.12/7/25ના રોજ વહેલી સવારે 6 વાગ્યે સારવારમાં તેનું મોત નિપજયું હતું. રાજકોટ સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે રાજકોટ રેલવે પોલીસને જાણ કરી હતી. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડયો હતો. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, મખન મૂળ મધ્યપ્રદેશનો વતની હતો.

રાજકોટમાં બાંધકામ સાઈટ પર રહેતો હતો. કડીયાકામની મજુરી કરતો હતો. તે પોતે 4 ભાઈ અને 1 બહેનમાં નાનો હતો. તે ટ્રેનમાં રાજકોટથી પોતાના વતન જતો હતો ત્યારે બનાવ બન્યો હતો. મૃતકના પરિવારમાં બનાવથી શોક છવાયો હતો…
