અજાણ્યો કારચાલક ભાગી ગયો
મૃતકની પત્નિને ઇજા થતાં સારવાર હેઠળ
વાંકાનેર: બાઉન્ડ્રી પાસે અજાણ્યા કારચાલકે ફ્રુટની લારીને ઉલાળી દેતાં આ લારી સાથે ફ્રુટ વેંચવા ઉભેલા ચોટીલાના બોરીયાનેસના પતિ-પત્નિ પણ ઠોકરે ચડી જતાં પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે પત્નિને ઇજા થતાં સારવાર હેઠળ છે. 

જાણવા મળ્યા મુજબ બોરીયાનેસ ગામે રહેતાં હિમતભાઇ શામાભાઈ ઉગરેજીયા (ઉ.વ.૩૭) અને તેના પત્નિ ભારતીબેન હિંમતભાઇ ઉગરેજીયા (ઉ.વ.૩૫) તથા સત્તર વર્ષની દિકરી રવિવારે સાંજે વાંકાનેરની બાઉન્ડ્રી નજીક પોતાની ફુટની લારી ઉભી રાખી ફ્રુટ વેંચતા હતાં ત્યારે અજાણી કારનો ચાલક રેંકડી સહિત આ પતિ-પત્નિને ઠોકરે લઇ ભાગી ગયો હતો. જો કે તેમની દિકરીનો બચાવ થયો હતો…

ગંભીર ઇજા થતાં હિમતભાઇનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્યારે તેના પત્નિ ભારતીબેનને ગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃત્યુ પામનાર હિંમતભાઇ બે ભાઇ પાંચ બહેનમાં છઠ્ઠા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. વાંકાનેર તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી અકસ્માત સર્જી ભાગી ગયેલા કારચાલકની શોધખોળ હાથ ધરી છે.

