મોરબી સંકલન બેઠકમાં સૌની યોજના હેઠળ વધુ તળાવો સાંકળવા સહિતનો મુદ્દો આવરી લેવાયો
રસ્તા પર તેમજ શહેરી વિસ્તારના દબાણો દુર કરવા, રોડ અને પુલના સમારકામ/બાંધકામ કરવું, બંધ થયેલ રાશનકાર્ડ ફરીથી શરૂ કરવાઅંગે પણ ચર્ચા
મોરબી: કલેકટર જી ટી પંડયાના અધ્યક્ષસ્થાને મોરબી જીલ્લા સંકલન સહ ફરિયાદ બેઠક યોજાઈ હતી, જે બેઠકમાં રાજાશાહી વખતના પાળાનું સમારકામ અને સૌની યોજના હેઠળ વધુ તળાવો સાંકળવા સહિતના વિકાસના મુદે ચર્ચા કરવામાં આવી હતી.
કલેકટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના કેટલાક ગામડાઓની પીવાના પાણીની સમસ્યા દુર કરવા, રસ્તા પર તેમજ શહેરી વિસ્તારના દબાણો દુર કરવા, રોડ અને પુલના સમારકામ/બાંધકામ કરવું, બંધ થયેલ રાશનકાર્ડ ફરીથી શરૂ કરવા, દરિયાઈ ખારાશ આગળ વધતી અટકાવવા રાજાશાહી વખતે બનેલા પાળાનું સમારકામ કરવું, શાળાઓમાં શિક્ષકોની ઘટ, સૌની યોજના હેઠળ જિલ્લામાં સર્વે કરી વધુ તળાવો સાંકળી લઈ ગામડાઓનું સિંચાઈ માળખું વધુ સુદ્રઢ બનાવવા, વગેરે મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી સમયમર્યાદામાં યોગ્ય કામગીરી કરવા સૂચના આપી હતી.
આ બેઠકમાં જિલ્લા કલેકટર સાથે જિલ્લા વિકાસ અધિકારી ડી. ડી. જાડેજા, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર-કુવાડવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, ટંકારા-પડધરી ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન. એસ. ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી. એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ. એચ. શિરેશિયા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહિલ અને ઈશિતાબેન મેર તેમજ જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.