રાજય સરકારના નાણા વિભાગનો નિર્ણય
કર્મચારીઓને અન્ય કચેરીઓના હવાલે કરાશે
કલેકટર સહિતની કચેરીઓને પરિપત્ર પાઠવાયા
રાજય સરકારના નાણા વિભાગ દ્વારા મોરબી જીલ્લાની વાંકાનેર સહિત રાજયની 10 પેટા તિજોરી કચેરીઓને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ તમામ તિજોરી કચેરીઓના કર્મચારીઓના સ્ટાફને અન્ય કચેરીઓના હવાલે કરાશે.





જેમાં મોરબી જીલ્લાની વાંકાનેર ઉપરાંત પડધરી, સિહોર, લખતર, મેઘરજ, કરજણ, મેંદરડા, વંથલી, કટાણા અને બોરસદ એમ કુલ 10 પેટા તિજોરી કચેરીઓને તાત્કાલીક અસરથી બંધ કરવા માટે રાજયના નાણા વિભાગના નાયબ સચિવ (પેન્શન અને તિજોરી) ભાવિતા રાઠોડ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે.








નાણા વિભાગના નાયબ સચિવ ભાવિતા રાઠોડ દ્વારા આ અંગે કરાયેલ પરિપત્રમાં જણાવાયું છે કે ઉપરોકત 10 પેટા તિજોરી કચેરીઓનું કાર્યભારણ અર્થાત ઉપાડ અધિકારીઓની સંખ્યા, ચલણ અને બીલની સંખ્યા, સ્ટેમ્પ વેન્ડર તેમજ સ્ટેમ્પનું વેચાણ, પેન્શનરની સંખ્યા અને નજીકની પેટા તિજોરી કચેરીનું અંતર સહિતની બાબતોને ધ્યાનમાં રાખી આ 10 પેટા તિજોરી કચેરીઓના કામકાજ તાત્કાલીક અસરથી બંધ કરવા ઠરાવાયું છે.






આ પેટા તિજોરી કચેરીઓ બંધ થતા તેની કામગીરી કઈ તિજોરી કચેરી સંભાળશે તે અંગેની તેમજ આ તિજોરી કચેરીઓના હાલના મહેકમને સમાવવા અંગેની વૈકલ્પીક વ્યવસ્થા કરવા માટે હિસાબ અને તિજોરી કચેરી ગાંધીનગરના નિયામકને અધિકૃત કરવામાં આવેલ છે. આ 10 પેટા તિજોરી કચેરી બંધ થતા તેના સ્ટાફને અન્ય કચેરીઓના હવાલે કરવામાં આવશે. આ અંગેનો પરિપત્ર કલેકટર કચેરી તેમજ પગાર અને હિસાબી અધિકારીની કચેરી, ગુજરાત મૂલ્કી સેવા ટ્રીબ્યુનલ, તકેદારી આયોગ સહિતના વિવિધ વિભાગોને પણ ઈશ્યુ કરી દેવામાં આવેલ છે.
