TET અને TAT ઉમેદવારો વતી આવેદનપત્ર અપાયું
કાયમી ધોરણે નિમણુંક મળતી ના હોઈઉમેદવારોનું અને પરિવારનું ભવિષ્ય જોખમાય છે
વાંકાનેર: જ્ઞાન સહાયક ભરતી ઠરાવ રદ કરી TET અને TAT ઉમેદવારોની કાયમી ભરતી કરવા અંગે અકીલ સિપાઈ, સોહેલ બાદી અને ગુલનાઝ શેરસીયાએ TET અને TAT ઉમેદવારો વતી નાયબ કલેકટરશ્રી (વાંકાનેર) મારફત માનનીય રાજ્યપાલશ્રીને ગઈ કાલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનુ કે સરકારશ્રી દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરેલ “જ્ઞાન સહાયક ઠરાવ અન્વયે અમો, TET / TAT પરીક્ષા પાસ ઉમેદવારો સાથે અન્યાય થયો છે. વર્તમાન સમયમાં ગુજરાતની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તથા ઘણી શાળાઓ માત્ર એક શિક્ષકો પર નિર્ભર છે, જેના કારણે રાજ્યના શિક્ષણ પર માઠી અસર થઈ રહી છે.
તો,અમારી સરકારશ્રી સમક્ષ માંગણી છે કે તાજેતરમાં PTC/B.ED. કરેલા ઉમેદવારો માટે સરકારશ્રી દ્વારા ઘણા વર્ષો બાદ લેવાયેલી TET-1, TET-2, TAT(S) અને TAT(HS) ની પરીક્ષા આપી યોગ્યતા સાબિત કરેલા મહેનતુ વિદ્યાર્થીઓ (ટેટ ટાટ ઉમેદવારો)ની જૂની ભરતી પ્રક્રિયા મુજબ કાયમી ધોરણે ભરતી કરવામાં આવે
સરકારશ્રી દ્વારા તાજેતરમાં પ્રસિદ્ધ કરેલ ઠરાવ મુજબ જ્ઞાન સહાયક તરીકે ૧૧ મહિનાના કરાર અને ૪૦ વર્ષ સુધીની ઉમરના ઉમેદવારોને હંગામી ધોરણે નજીવા વેતનથી ભરતી કરવાનું ઠરાવેલ છે, તે અમો વિદ્યાર્થીઓ માટે અન્યાયજનક છે. અમો વિદ્યાર્થીઓ TET અને TAT પરીક્ષા આપવા યોગ્યતા પ્રાપ્ત કરવા તેમજ તેમાં સફળ થવા માટે અમોને અમારી ૩૦ વર્ષની ઉંમર થઈ જતી હોય છે
અને આ સમયગાળા દરમિયાન અભ્યાસ માટે અમોને આર્થિક નુકસાની પણ ભોગવવી પડે છે; તેમજ આટલો અભ્યાસ કરવા છતાં સરકારશ્રીના નવા ઠરાવ પ્રમાણે અમોને કાયમી ધોરણે નિમણૂક મળતી નથી, જેથી અમોને કાયમી ધોરણે નિમણુંક મળતી નથી. જેથી અમો ઉમેદવારોનું અને અમારા પરિવારનું ભવિષ્ય જોખમાય છે અને સાથોસાથ કાયમી નિમણૂક ન હોવાના કારણે ગુજરાતનાં ભાવિ બાળકોના શિક્ષણ પર પણ માઠી અસર થવાની સંભાવના રહે છે,
જો આ સરકારના ઠરાવ મુજબ શિક્ષકનું ભવિષ્ય નક્કી નહીં હોય તો તે ગુજરાતનાં વિદ્યાર્થીનું ભવિષ્ય કઈ રીતે નક્કી કરશે ? એ પણ ચિંતાનો વિષય છે. સરકારશ્રી દ્વારા TET-1, TET-2, TAT(S) અને TAT(HS)(પ્રિલિમ) નું પરિણામ જાહેર કરવામાં આવેલ છે, ઠરાવમાં જણાવ્યા મુજબ જ્ઞાન સહાયક ની ભરતી TET અને TAT પરિક્ષાના આધારિત થવાની છે તો જો કરાર આધારિત ભરતીનું આયોજન થઈ શક્યું હોય તો કાયમી ભરતીનું આયોજન કેમ ન થાય ? તથા જો કરાર આધારિત જ ભરતી કરવી હોય તો પછી દ્વિ-સ્તરીય પરિક્ષાની શું જરૂર ? દરેક ઉમેદવાર માટે આ એક મહત્વનો પ્રશ્ન છે.
તેથી, રાજ્યના વિદ્યાર્થીઓ અને અમો ઉમેદવારોના ભાવિની ચિંતા કરી રાજ્ય સરકારની પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના નવા ઠરાવ રદ્દ કરી જૂની નિમણૂક પદ્ધતિ પ્રમાણે TET-1, TET-2, TAT(S) અને TAT(HS)માં ઉતીર્ણ થયેલા યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને વહેલામાં વહેલી તકે ભરતી પ્રસિધ્ધ કરી કાયમી નિમણૂક આપવામાં આવે તેવી આપણી સંવેદનશીલ સરકારશ્રી સમક્ષ સમગ્ર ટેટ ટાટ ઉમેદવારોની લાગણી અને માંગણી સાથે વિનંતી છે. અમોને સંવેદનશીલ ગુજરાત સરકાર પર પૂરો વિશ્વાસ છે કે ટૂંકા સમયગાળામાં સરકાર અમારા હિતમાં નિર્ણય લેશે.
આમ, ઉપરોક્ત વિષય અને સંદર્ભ થયેલ ઠરાવો અંગે અમારી માંગણીઓ આપણા વિસ્તારથી આપ સાહેબશ્રીને જણાવીએ છીએ અને લાગણી અને માંગણી સાથે વિનંતી કરીએ છીએ કે આપ સાહેબશ્રી અમારી રજૂઆત માનનીય રાજયપાલ, માનનીય શિક્ષણમંત્રીશ્રી, શિક્ષણ સચિવશ્રી તેમજ સરકારશ્રી સમક્ષ મૂકી ભલામણ કરશો તેવી આશા વ્યક્ત કરીએ છીએ તેમજ અમારી માંગણી સ્વીકારી હકારાત્મક પ્રતિસાદ આપો એવી અમો સૌ TET / TAT ઉમેદવારો નમ્ર વિનંતી કરીએ છીએ.