આયુષ્માન કાર્ડ, ઉજ્જવલા યોજના સહિતની યોજનાઓની માહિતી અપાઈ
વાંકાનેર : ‘૨૦૪૭ નું ભારત એટલે વિકસિત ભારત’ આવા સંકલ્પ સાથે દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે. જે અંતર્ગત ગુજરાત રાજયમાં પણ સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતા રથ પરિભ્રમણ કરી રહ્યા છે. જેના ભાગરૂપે મોરબીમાં વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અન્વયે સાંસદ મોહનભાઈ કુંડારીયાની ઉપસ્થિતિમાં લોકોને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાનો લાભ અને આ યોજનાઓ મેળવવા અંગેની યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે આપેલું આયુષ્યમાન કાર્ડ એ એક ચેક જેવું જ છે. આકસ્મિક સમયે જરૂર પડ્યે ગમે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય છે. વિધવા પેન્શન યોજના, વૃદ્ધ પેન્શન યોજના સહિતની યોજનાઓથી સમાજ સલામત, સુરક્ષિત અને પગભર બની રહ્યું છે. ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, બાળક માતાના ઉદરમાં હોય ત્યારથી જ આંગણવાડી તેમજ આરોગ્ય વિભાગ દ્વારા બાળક સુપોષિત બને તેમજ માતાનું આરોગ્ય પણ સારું બની રહે તે માટે વિવિધ યોજનાઓ હેઠળ કામગીરી કરવામાં આવે છે.
આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી. ઉપરાંત મહાનુભાવોનાં હસ્તે લીંબાળા ગ્રામ પંચાયતમાં સો ટકા નલ સે જલ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી બદલ ગ્રામ પંચાયતને પ્રમાણપત્ર આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળી ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ, ખેતીવાડી તેમજ લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.