કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ધમલપર: દાદુપીર (રહેમતુલ્લાહ  અલયહે)

અંતે વાંકાનેરની લુહાર શેરીમાં લુંટારાએ સીદાભાઇની ગરદન પર ઘા કરી ડોકું ઉડાવી દીધું. સરમુબારક ત્યાં પડયા પછી ધડમુબારક લડતું લડતું અત્યારે જયાં દાદુપીરની દરગાહશરીફ છે, ત્યાં પડયું.

વાંકાનેરની ધરતી પર ત્યારે રાજા બનેસીંગનું રાજ હતું. સન ૧૮૪ર થી ૧૮૮૧ સુધી ૩૯ વર્ષ એમણે રાજ કરેલું. આ વાતને હજી પૂરા દોઢસો વરસ નથી થયા. ત્યારે વાંકાનેર શહેર આજના શહેર કરતા માંડ ત્રીજા ભાગના વિસ્તારમાં વિસ્તરેલું હતું. શાહબાવાના મિનારા પાસે ગઢનો એક દરવાજો હતો, જે આજે પણ હયાત છે. પ્રતાપ રોડથી કુંભારપરા જતા રસ્તાના પ્રવેશદ્વાર પર એક દરવાજો હતો, જેને ‘સીંધાવદર દરવાજા’ તરીકે ઓળખવામાં આવતો, આજે તેનું વજુદ નથી. આજના ગ્રીનચોક પાસે પણ એક દરવાજો હતો. બસ, આટલા વિસ્તારમાં ત્યારે વાંકાનેર શહેર વસેલું હતું.

        ગ્રીન ચોક પાસેની કોઇ ગલીમાં એક ઘાંચી કુટુંબ વસે, જેમાંના એક, નામ એમનું સીદાભાઇ. જીવન પણ એમનું એકદમ સીધું. કોઇ પ્રપંચ, કોઇ ખંધાઇ નહિં. કોઇ આડંબર, કોઇ દગાબાજી નહિં. અલ્લાહનું ઝીક્ર કરતા રહે. કોઇ સાથે કયારેય ઝઘડો કરેલો નહિં. કોઇ બંધાણ નહિં, સીધું સાદુ જીવન. જે છે તેનાથી સંતોષ માનનારા.

        સીદાભાઇના કોઇ સંબંધી કચ્છમાં રહે. એક દિવસ તેના આ સંબંધી વાંકાનેર પોતાના બળદો સાથે આવ્યા અને રાતવાસો સીદાભાઇના ઘરે કરી મહેમાન બન્યા. સંબંધીને સવારે વાંકાનેરથી આગળ દૂર જવાનું હતું અને પછી પાછું પણ વાંકાનેર આવી કચ્છમાં જવાનું હતું.    

        સીદાભાઇ પાસે પણ બળદની જોડી હતી. રોજ વહેલી સવારે સીદાભાઇ બળદને લઇને પહર લઇ જાય. સંબંધીએ  વિચાર્યું કે તેમની સાથે રહેલા બધા બળદોને સાથે લઇ જવાને બદલે એક જોડી સીદાભાઇને ત્યાં મૂકતા જઇએ અને પાછા ફરતા કચ્છમાં લઇ જઇશું. બળદોને ખોટા ખોટા પદોડવા અને સાચવવા, એના કરતા અહીં સીદાભાઇને ત્યાં જ બળદો રાખતા જઇએ. એમને સીદાભાઇ પર પૂરો ભરોસો હતો. સંબંધીએ આ ઇરાદો સીદાભાઇને જણાવતા  ઉમેર્યું કે ‘‘આમેય અમારે આગળની મુસાફરીમાં આ બળદોની જરૂર નથી’’.

        સીદાભાઇએ વાત સ્વિકારતા જવાબમાં કહ્યું: ‘‘ઠીક છે, હું મારા બળદોને ચરાવું છું, ભેગા ભેગા બે બળદ વધારે, એમાં મારે કંઇ વધારે પરોજણ નથી. તમારી અમાનત પાછા ફરતા ખુશીથી લઇ જજો..’’

        સંબંધીએ આ માટે સીદાભાઇને અમુક મહેનતાણું આપવાની પણ ઓફર કરી, સીદાભાઇએ આ ઓફર કબૂલ નહિં રાખતા બળદોને સાચવવાની જવાબદારી સંભાળી. મહેમાનો રવાના થઇ ગયા.

        સીદાભાઇ પોતાના અને સંબંધીઓના બળદોને લઇને પહર માટે નિકળી પડે. પોતાના- પારકાના ભેદ વિના બધા બળદોને જતનથી સાચવે. એમાં એક દિવસ વાંકાનેરથી મચ્છુ નદીનાં કાંઠે ચંદ્રપુર – કેરાળાની વાડીઓ જયાં આવેલી છે, ત્યાં સીદાભાઇ રોજની જેમ બળદોને ચરાવી રહ્યા હતા. હજી મોં સૂઝણું નહોતું થયું. લીલા ઘાસ પર જામેલી ઝાકળ સાથેના ઘાસ બળદો ચરી રહ્યા હતા, ત્યાં બળદોએ ચરવાનું બંધ કરી ઉગમણી દિશા તરફ ડોકું અને કાન ઉંચા કરી જોવા લાગ્યા. સીદાભાઇને કોઇ આવતું હોવાનો અહેસાસ થયો.

        હવે કોઇના પગલાનો અવાજ પણ સંભળાવવા માંડયો. સીદાભાઇ સાબદા થઇ પોતાની પાસે રહેલી કુહાડીને મજબૂતીથી પકડી ઉભા થઇ ગયા.

        આવનારા ચાર લુંટારા હતા. પહેલાના જમાનામાં પારકું પશુધન લુંટવાને બહાદુરીનું કામ ગણવામાં આવતું. અત્યારના આ સમયમાં મચ્છુ કાંઠે સીમ વગડામાં બીજું કોણ હોય? લુંટારા કંઇ બોલ્યા-ચાલ્યા વગર પોતીકો માલ સમજી બળદોને હાંકવા માંડયા. સીદાભાઇએ આડા ફરી આમ ન કરવા રોકવા લાગ્યા. પણ એમ લુંટારા થોડા રોકાય? હાંકીને જતા બળદોમાં સંબંધીના પણ બળદ હતા.

        સીદાભાઇએ લુંટારાને કહ્યું: ‘‘આ બે બળદ મારા નથી, મારા સંબંધીના છે, મારી પાસે અમાનત મૂકી ગયા છે. એ બે બળદ મૂકતા જાવ અને બાકીના બધા ભલે લઇ જાવ’’.

        લુંટારાઓને વાને અને કદે રૂપાળા આ બળદો જ વધારે ગમી ગયા હતા. ‘‘જો તું કહે તો બીજા બળદો રાખતા જાય, પણ આ બે બળદો તો અમે લઇ જ જાઇશું’’.

        ‘‘પણ એ તો અમાનત છે- હું મારા સંબંધીને શું જવાબ આપું? સંબંધીને એના બળદ પાછા ન આપું તો એને લાગે કે મેં આ બળદ વેચી નાખ્યા, મારી પર ઝૂઠું આળ આવે’’. લુંટારા આ સાંભળી હસવા લાગ્યા.   ‘‘સંબંધીને કહેજે લુંટારા લૂંટી ગયા…’’

                ‘‘અમાનત તો મારે પાછી આપવી જ પડે, જીવના જોખમે પણ હું અમાનત નહિં લુંટાવા દઉં’’ કહી સીદાભાઇએ રોજની જેમ હાક મારતા બળદો માલિકની હાક સાંભળતા સીદાભાઇ તરફ આવી ગયા. સીદાભાઇએ વાંકાનેર તરફ હંકાર્યા. પણ એમ લુંટારા કેડો મૂકે તેમ નહોતા.

        ‘‘સીધી રીતે એ બે બળદો આપી દે નકર જીવનો જાઇશ’’, લુંટારાએ પડકાર ફેંકયો.

        ‘‘જીવ જાય તો ભલે જાય, પણ અમાનત લુંટવા દઉં તો ખુદાને શું જવાબ આપું?’’

વડછડ વધવા લાગી. બઘડાટી બોલાવા લાગી. બડાસૂટી ચાલુ થઇ. સામે ચાર અને આ બાજુ એકલપંડે સીદાભાઇ. હાથમાં રહેલી કુહાડીથી ધીંગાણું ખેલતા ખેલતા- બળદોને હંકારતા હંકારતા પાછા પગે સીદાભાઇ ત્યારના વાંકાનેરમાં પોગી ગયા. સીદાભાઇએ શરીર પર પડેલા નાના-મોટા ઝખમને ગણકાર્યા વિના એક માત્ર અમાનત નહિં લુંટાવાના મકસદે સારો એવો સામનો કર્યો.

        અંતે વાંકાનેરની લુહાર શેરીમાં લુંટારાએ સીદાભાઇની ગરદન પર ઘા કરી ડોકું ઉડાવી દીધું. સરમુબારક ત્યાં પડયા પછી ધડ લડવા લાગ્યું. બળદ તો બળદના ઠેકાણે રહ્યા, હવે લુંટારાને પોતાનો જીવ બચાવવાની નોબત આવી પડી. તેઓ બીકના માર્યા ભાગ્યા, પણ ધડમુબારક લડતું લડતું અત્યારે જયાં દાદુપીરની દરગાહશરીફ છે, ત્યાં પડયું.

        ઉપરની વાત મર્હુમ બરકતભાઇ ગોલાવાળાએ કહી ઉમેરેલું કેઃ ‘એક માત્ર અમાનત પરત કરવાના નેક મકસદથી જાનની કુરબાની આપનાર દાદુપીરને અલ્લાહ પાકે શહીદનો દરજજો આપ્યો. સીદાભાઇના કુટુંબીજનોને ખબર પડતા ધડમુબારકને ગુસલ મારા ઘરમાં આપેલું. વાંકાનેર તાલુકાની એ કમનસીબી છે કે આવી ઐતિહાસિક ઘટનાઓની કોઇ તવારીખ કે વિગતો સચવાઇ નથી. મારી પાસે કોઇ સાબિતી નથી, પણ આ વાત સાંભળેલી છે’. એમના ઘરે આજે પણ એક ઓરડામાં દાદુપીરનુ તેઓ લોબાન કરે છે અને પૂરા તમીઝથી સાચવે છે.

        ગ્રીનચોકથી ચાવડી ચોક તરફ જતા ડાબા હાથ પર જે પહેલી આડી બજાર આવે છે, તેને લુહાર શેરી કહેવાય છે અને ત્યાં સરમુબારકનો ચિલ્લો આજે પણ મૌજુદ છે. દરગાહ શરીફ જુના ધમલપર પાસે મચ્છુ નદીનાં કાંઠે રેલ્વેના પાટા પાસે છે.

        ઉપરની વાતથી જુદી વાત પણ મળતી આવતી વાત ધમલપરના જનાબ હબીબભાઇ જીવાભાઇ દેકાવાડિયાએ કહી છે, એમના કહેવા મુજબ દાદુપીરે બહારવટિયા સામે લુણસરિયાની લુંટાતી ગાયો બચાવવા ધીંગાણું ખેલી શહીદી વ્હોરેલી.

        વધુ વિગતો આપતા તેઓ કહે છે કેઃ ૧૯૭૯ની પૂર હોનારત પહેલા અમારૂં ગામ હાલ જયાં જુનું ધમલપર છે, ત્યાં હતું. જેમાં ૩પ ઘર મુસ્લિમના અને ૬૦ ઘર કોળી સ માજના હતા. રાજાશાહીના વખતમાં બધા ગામડાઓમાં ગામનો ઝાંપો રાતના દશ વાગ્યા પછી રાજ ચોકીદાર બંધ કરી દેતા હતા, પણ ધમલપરનો ઝાંપો જોનારા કહે છે તેમ, પીરની રાતના સવારી નિકળતી અને બંધ નહોતો થાતો. એમાં એક પઠાણ ચોકીદાર આવ્યો અને તેણે ઝાંપો બંધ કરી તાળું મારવાની ચેષ્ટા કરી. સવારે જોયું તો ભારેખમ વજનદાર ઝાંપો તૂટીને સાંકળમાં તાળુ સહિત ૬૦ થી ૭૦ ફૂટ છેટો પડેલો (બરકતભાઇ ગોલાવાળાએ આ વાત કરી આગળ જણાવેલું કે ત્યારના રાજાને ચોકીદારે ઝાંપો ઉડીને આઘે પડયાની ઘટના વર્ણવેલી, આથી રાજાએ ઘટનાની ખરાઇ કરવા માણસો બેસાડેલા, આમ છતાં ઝાંપો ઉડી આઘો જઇ પડેલો. દાદુપીરે રાજાને સ્વપ્નામાં કહેલું કે ધમલપરના રક્ષણની જવાબદારી મારી છે, એના દરવાજા બંધ કરવાના ના હોય) પછીથી આ ગામનો ઝાંપો બંધ નહિં કરવા રાજાએ ફરમાન કરેલ હતું. ઉડેલા એ ઝાંપાનો એક ભાગ હાલ ધમલપર કબ્રસ્તાનમાં મૌજુદ છે.

        ૧૯૭૯માં પૂર હોનારતમાં ખેતરોનાં ખેતરો ધોવાઇ ગયેલા. મચ્છુ નદીનાં પાણી ગામમાં ફરીને તારાજી સર્જેલી. દાદુપીરની હાલ જયાં દરગાહશરીફ છે, તે નદી કાંઠાથી ર૦૦ ફૂટ જેટલી દૂર છે, દરગાહ પછી માત્ર ૧૦ ફૂટ દૂર રેલના પાટા છે, જે હાલમાં પણ દરગાહશરીફના મેદાનથી ત્રણેક ફૂટ ઉંચા છે. આમ, નદી અને પાટા વચ્ચે દરગાહ શરીફ છે. પૂર વખતે પાટા ઉપરથી પાણી જતું હતું. જયારે દરગાહશરીફ નિચાણવાળી જગામાં હોવા છતાં તેમાં પાણી નહોતું ગયું. ફરતું પાણી અને દરગાહશરીફમાં પાણી નહિં. આ મોઅજીઝો રેલ્વે ડ્રાઇવર ગગજી ભાવસંગે જોતા તેમણે રીલીફ ટ્રેઇન ત્યાં થોભાવી અચંબામાં પડી ગયેલ. ગામના બીજા લોકોએ પણ નરી આંખે આ ઘટના જોનારા પણ હાલ મૌજુદ છે.

        આ ગામમાં ચોરી થતી નથી. અગાઉ એક વાર ચોર ચોરી કરવા આવેલા. ગામમાં આંટો માર્યો તો બધા ઘરમાં કોઇને કોઇ જાગતા હોવાનો અવાજ આવતો હોઇ ચોર ચોરી ન કરી શકયા. બહાર ખરાવાડમાં અગાઉના જમાનામાં શેરડીનું પિલાણ કરી ગોળના માટલા ભરવામાં આવતા, તેવા પ માટલા કે જેમાં એરંડી ભરી હતી, તે ચોરોએ ઉપાડી ભાગ્યા, પણ રાત આખી ચાલવા છતાં ખરાવાડ બહાર ન નિકળી શકયા. માથા પરથી માટલા નિચે પણ ઉતરતા નહોતા, ચોંટી ગયેલા. અંતે તેઓ પણ માફી માંગી ભાગ્યા. એક ચોર હળમાંથી કોસ ચોરી ભાગેલો, દલડીમાં ભરવાડના ઘરના બારણામાં તે કોસથી ઘા પણ મારેલો, પણ પછી ચોરને કયાંય ચૈન ન પડતા કોસ પાછી મૂકી ગયેલો. ગામના મામદ રહેમાનના ચોરાયેલા પ બકરા થાન રોડ પર થોરની બાજુમાં બાંધેલા મળી આવેલા. અલીભાઇ વલીના બળદ ચોરાયેલા, ત્રણ વર્ષ પછી તે બળદ અફૂરા અફૂરા પાછા આવ્યા. તે બળદ ત્રણ જણા પાસે ફરેલા, એકેયના ઘરમાં શાંતિ નહોતી રહેતી.

        દરગાહશરીફના ઘુંમટનું જયારે કામ ચાલતું હતું, ત્યારે ઘુંમટનો આકાર ગોળાકાર હોઇ ત્રાપા-ટેકા ગોઠવાય અને કોઇ ટ્રેઇન નિકળે એટલે ધ્રુજારીથી તે પડી જતા હતા. કોઇ રીતે ત્રાપા-ટેકા રાખવા શકય ન થતા, ગામલોકોએ થાકી રેલ્વે સત્તાવાળાને પણ વાત કરી, ટ્રેઇનના રૂટ બંધ કરવા શકય નહોતા, થાકીને ગામલોકો કામ પડતું મૂકી જતા રહ્યા. સવારે આવીને જુએ છે તો રેલના પાટા જે કાપવા માણસના ગજા બહારનું હતું, કપાયેલા જોવા મળ્યા. ટ્રેઇન રૂટ બંધ થયા, અને ઘુંમટનું કામ પૂર્ણ થયું. રેલ્વેના મોટા સાહેબ પણ દાદુપીરનો આ ચમત્કાર સમજી પગે લાગેલા.

        દાદુપીર બહુ ઝલાલી પીર મનાય છે. અનેક મોઅઝીજા હિન્દુ- મુસ્લિમ શ્રધ્ધાળુઓના મોઢે સાંભળવા મળે છે. હકકની વાતમાં સાચા દિલથી કરેલી દુઆમાં દાદુપીર બહુ મદદ કરે છે. ધમલપરમાં દાદુપીરની સવારી રાતે આવતી હોવાની વાતે બજારમાં આજે પણ ગામલોકો ઉકરડો કરતા નથી.

        દર સાલના સવાલ મહિનાની અગિયારમીએ ઉર્ષ ઉજવવામાં આવે છે. જેમાં ઘી માંથી બનાવેલી ન્યાઝ જ જમાડવામાં આવે છે. એક વર્ષ તેલમાંથી બનાવવાના નિર્ધાર સાથે આગેવાનો વાંકાનેર ખરીદી કરવા નિકળ્યા, પણ પછી તે તમામના મનમાં ઘી ખરીદવાની જ સ્ફૂરણા એકી સાથે થતા દાદુપીરે ઘી માંથી જ ન્યાઝ બનાવાનો ઇશારો સમજી આ સીલસીલો નિભાવવામાં આવી રહ્યો છે. ન્યાઝ કે દરગાહશરીફના બાંધકામ કે નિભાવણી માટે કોઇ ફાળો કરવામાં આવતો નથી. ધમલપરના ૯૦ મુસ્લિમ ઘરોમાં મરજીયાત ફાળો લેવામાં આવે છે. મોરબીનું વડાવરીયા કુટંબ કરપીર માને છે. ન્યાઝ બનાવવા માટે જરૂરી સાધનોની અહીં સગવડ છે. ફૂલઝાડ અને ચોખ્ખાઇ છે.

એમ કહેવાય છે કે દાદુપીર પરોઢે પહર જતા ત્યારે કેરાળાથી લુણસરીયા તરફ જતા નદીના કાચા રસ્તાથી ઉગમણે નદી કાંઠે એક નાની કૂઇ હતી, તેમાંથી પાણી પિતા હતા. આ જૂની કૂઇ ફરતે ત્યાર પછી ગામલોકોએ કઠોળો કરેલ છે. એક સમય હતો કે આ કૂઈનાં પાણીનો ઉપયોગ પીવામાં થતો હતો. અત્રે તો કૂઇ પડતર છે.

        નોંધઃ ઉપરની ઐતિહાસિક વાતનો કોઇ આધાર અમારી પાસે નથી. બની શકે કે શહીદીમાં બીજી કોઇ પણ ઘટના સંભવ છે. અલ્લાહ બેહતર જાણે છે, આમ છતાં સત્ય ઘટનાથી અલગ લખાયું હોય તો દાદુપીર (રહેમતુલ્લાહ  અલયહે) મને માફ કરે. -નઝરૂદીન બાદી.

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!