હળવદ: તાલુકાના ઢવાણા ગામ પાસે ટ્રેકટર તણાઈ જવાની દુર્ઘટનામાં હજુ સુધી ટ્રેક્ટરમાં સવાર લોકોની સંખ્યાનો સતાવાર રીતે આંકડો બહાર આવ્યો નથી. પણ ટ્રેકટરના ડ્રાઇવરના જણાવ્યા મુજબ તેમાં 25 જેટલા લોકો સવાર હતા. તેમાં પણ અમુક લોકો તો માત્ર નદીના આ કાંઠેથી સામાકાંઠે જવા માટે જ બેઠા હતા…ટ્રેકટરના ડ્રાઇવર એવા ઢવાણા ગામના મેહુલભાઈએ જણાવ્યું કે તેઓના ટ્રેક્ટરમાં અંદાજે 25 જેટલા વ્યક્તિઓ હતા. જેમાં મહિલા અને બાળકો પણ હતા. ગામના મહેમાનને લઈને તેઓ ઢવાણા જઈ રહ્યા હતા. આ દરમિયાન અમુક લોકો તો નદીના આ કાંઠેથી બીજા કાંઠે જવા માટે જ ટ્રેક્ટરમાં બેઠા હતા. નદીનું પાણી જોખમી લાગતા
તેઓ આ નદી પાર નહિ થઈ શકે તેવું જણાવીને ટ્રેકટર નીચે ઉતરી ગયા હતા. પણ ટ્રેક્ટરમાં બેઠેલા બે વ્યક્તિઓએ એવું કહ્યું કે ટ્રેકટર ચાલ્યું જશે. એટલે પછી તેઓના ભાઈએ ટ્રેકટર ચલાવ્યું અને આગળ વધ્યા ત્યાં ટ્રેકટર પલટી મારીને તણાઈ ગયું હતું. આ ઘટના રાત્રીના 8:30 વાગ્યા આસપાસ બની હતી…
સમગ્ર ઘટનાની જાણ થતાં હળવદ મામલતદાર સહિતના અધિકારી મોરબીથી ફાયર વિભાગ અને SDRF ની ટીમો અને જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી ઘટના સ્થળે દોડી જઇ બચાવ કાર્ય હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં 4 લોકોને બચાવાયા છે. બાકીના લોકોની શોધખોળ ચાલુ છે…