ઠેઠ ઓરિસ્સાથી ગુજરાત આવ્યો: ચોર સમજી મોતને ઘાટ ઉતારી દીધો
એલસીબી ટીમે ભાટિયા સોસાયટીના સાત આરોપીને ઝડપી લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા

વાંકાનેરમાં પરપ્રાંતિય શ્રમજીવીની હત્યા કરવામાં આવી હોય, જે બનાવ મામલે તપાસ ચલાવતા એલસીબી ટીમે સાત ઇસમોને ઝડપી લીધા છે અને ચોર સમજી શ્રમિક યુવાનને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દીધાનો ચોકાવનારો ખુલાસો થવા પામ્યો છે.

ગત તા. ૧૦ થી તા. ૧૨ દરમિયાન વાંકાનેર શહેરના જુના લુણસરીયા રોડથી વિસીપરા રોડ પર ધમલપર ગામની સીમમાં એક અજાણ્યો પુરુષ આશરે ૨૨ વર્ષ વાળો બેભાન હાલતમાં મળી આવ્યો હતો અને વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કરતા અજાણ્યા પુરુષનું મોત થયું હતું. જેના શરીર પર ઈજાના નિશાન મળી આવતા પોલીસે હત્યાની શંકા સાથે બનાવની તપાસ ચલાવી હતી. ઢુવા માટેલ રોડ પર આવેલ બ્રાવટ કારખાનામાંથી ગુમ થયાનું માલૂમ પડતા લેબર કોન્ટ્રાકટરને ઇજાગ્રસ્તનો ફોટો બતાવતા મૃતક કાર્તિકસિંગ રૂહ્યાસિંગ (ઉ.વ.૩૧) રહે ઓડીસાવાળો હોવાનું ખુલ્યું હતું.

જેથી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જેમાં એલસીબી પીઆઈ, વાંકાનેર સીટી પીઆઈના માર્ગદર્શન હેઠળ એલસીબી/પેરોલ ફર્લો સ્કવોડ અને વાંકાનેર સીટી પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવી હતી, જેમાં મૃતકને અજાણ્યા ઇસમોએ ચોર સમજી બોથડ પદાર્થ દ્વારા મુંઢ માર મારનાર ઈસમો બાબતે ખાનગી રાહે બાતમી મળી હતી; જેથી અલગ અલગ સ્થળેથી સાત ઇસમોને ઝડપી લઈને આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીઓએ ગુનાની કબુલાત આપી હતી.

જેથી એલસીબી ટીમે આરોપી સાહિલ ઉર્ફે ગબ્બર અબ્દુલ હાલા (ઉ.વ.૨૨), સચિન ઉર્ફે સચ્ચો રસિક ગોહિલ (ઉ.વ.૩૮,) પારસ ઉર્ફે ભજજી ભરત મકવાણા (ઉ.વ.૨૬), અમન અબ્દુલ આંબલીયા (ઉ.વ.૧૯), યુવરાજસિંહ કપુરજી પરમાર (ઉ.વ.૨૦), મોહસીન કાસમ અજમેરી (ઉ.વ.૩૦) અને મકસુદશા ઉર્ફે મખ્ખી કાસમશા શાહમદાર (ઉ.વ.૨૬) રહે. બધા ભાટિયા સોસાયટી વાંકાનેરવાળાને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક યુવાન મૂળ ઓડીસાનો વતની છે, જે તા. ૧૦ ના રોજ કામ અર્થે વાંકાનેર ખાતે આવ્યા હતા અને યુવાનને ચોર સમજી ટોળાએ માર મારતા ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. આમ રોજીરોટી માટે આવેલ યુવાનને મોત મળ્યું હતું.