ગામ નમુના નંબર 6ની ઉતરોતર અને કનેકટેડ તેમજ પ્રોપર ચેનલ સાથે જોડવાનો નિર્ણય લેવાતા ખેડૂતોને વધી મુશ્કેલી
જમીનના હક્કપત્રકની નોંધ દાખલ કરવા માટે મહેસુલ વિભાગે લીધેલા નિર્ણયથી ધરતીપુત્રોને ભારે પરેશાની વેઠવી પડે છે, ગુજરાત રાજ્યના ખેડૂત ખાતેદારો તેઓની જમીનની હકકપત્રકમાં કોઇપણ પ્રકારની ઓનલાઇન યા ઓફલાઇન નોંધ દાખલ કરાવવા જાય છે ત્યારે ઇ-ધારા કચેરી તરફથી મૌખિક એવું જણાવવામાં આવે છે કે જમીનના રેવન્યુ રેકર્ડમાં કોઇપણ પ્રકારની નોંધો દાખલ કરાવવી હોય તો અરજદાર ખેડૂતે તેમની જમીનોના ગામ નમુના નં.8-અ તેમજ ગામ નમુના નં.7 અને 12 સાથે કનેકટેડ અને પ્રોપર ચેનલમાં તમામ હક્કપત્રકો (ગામ નમુના નં-6)ની તમામ નોંધો પણ ફરજીયાત જોડવાની રહેશે અને આ રીતે અરજદારોને વેચાણ તદ ઉપરાંત વારસાઇ હૈયાતીમાં હક્ક દાખલ હક્ક કમી જેવી તમામ નોંધો હક્કપત્રકમાં દાખલ કરવામાં આવશે તેવું જણાવવામાં આવે છે.

મામલતદાર અથવા સર્કલ ઓફીસર દ્વારા અગાઉ વરસોથી એટલે કે પચાસથી સાઇઠ વરસ પહેલાની નોંધો કે જે પ્રમાણિત થયેલ હોય તેમજ હક્કપત્રકોની તમામ નોંધોને સ્કેનીંગ થઇ ગયેલ હોવા છતાં તેમજ ઓનલાઇન મામલતદાર કચેરીના ઓનલાઇન રેકર્ડ ઉપર ગમે ત્યારે જોઇ શકાય તેમ હોવા છતાં શા માટે અધીકારીગણ છેલ્લા પચાસથી સાઇઠ વરસ જુના હક્કપત્રકો પ્રોપર ચેનલમાં કનેકટેડ નોંધો દરેક અરજ અહેવાલ સાથે જોડવાનો ખેડુતો પાસે જોડવાનો દુરાગ્રહ રાખે છે ?

ગુજરાતના ખેડૂતો પાસેથી ઉતરોઉતર હક્કની નોંધો જોડવામાંથી તાત્કાલિક મુક્તિ અપાવવામાં આવે અને અધિકારી ગણ તેમની ઓફીસના કોમ્પ્યુટરમાં તપાસી લે અને દાખલ થયેલી અને હવે પછીથી ખેડૂતો દ્વારા દાખલ કરવામાં આવે તેવી હકક પત્રકો જોડવાનો આગ્રહ કરવામાં ન આવે અને અગાઉના તત્કાલીન અધિકારીએ પ્રમાણિત કરેલી નોંધો ઉપર ભરોસો રાખે અને તેવી તમામ નોંધો સમયમર્યાદામાં પ્રમાણિત કરી આપવામાં આવે તેવો તાત્કાલિક અસરથી હુકમ થવો જોઈએ…

તદઉપરાંત હાલમાં ખેડૂતો પાસેથી એવી હકીકત જાણવા મળેલ છે કે ચાલીશ પછી કે પચાસ કે સાંઇઠ વરસો પહેલાની નોંધોમાં કોઇ મોટાભાઇને અને તેમના નાનાભાઇઓને તેમના ભાગની જમીન આપેલ હોય તેવી નોંધો વરસો પહેલા પ્રમાણિત થઇ ગયેલ હોવા છતાં આવી નોંધોમાં મોટાભાઇએ નાનાભાઇઓને જમીન આપેલી છે; માટે હાલના જંત્રીભાવ મુજબ મામલતદાર તેમજ સર્કલ ઓફિસર ખેડૂતો ઉપર મૌખિક દબાણ લાવે છે કે પહેલા સ્ટેમ્પ ડયુટી કલેકટર પાસે આવી જુની નોંધ અરજી સાથે આવી નોંધો જોડી સ્ટેમ્પ ડયુટી નક્કી કરાવી અને જેટલી સ્ટેમ્પ ડયુટીની રકમ થતી હોય તે સરકારમાં ભરપાઇ કરી સ્ટેમ્પ ડયુટી કલેકટરનો હુકમ આપો ત્યારે જ તમારો નોંધ પ્રમાણિત થશે; તેવું મૌખિક જણાવાવમાં આવે છે અને અનેક કિસ્સામાં વરસો પહેલાની પ્રમાણિત થયેલી નોંધોમાં હાલ સ્ટેમ્પ ડયુટી વસુલવામાં આવી રહી છે અને આ રીતથી જ કોઇ માતા કે પિતાના અવસાન બાદ વારસાઇ એન્ટ્રીમાં તેઓની સગી પુત્રી અવસાન પામેલ હોય તો એવી પુત્રીના સીધીલીટીના વારસદારોના નામ સંયુકત ખાતામાં દાખલ થયેલ હોય તેવી અવસાન પામેલી બેનના વારસદારોના હક્ક કમીની નોંધો વરસો પહેલા પ્રમાણિત થઇ ગયેલ હોવા છતાં ઉપરની વિગતે સ્ટેમ્પ ડયુટીની રકમ વસુલાત કરવામાં આવે છે. આ બાબતે જો ખોટી રીતે ખેડૂતો પાસેથી વરસો જુની હક્કપત્રકની પ્રમાણિત નોંધોમાં સ્ટેમ્પ ડયુટીની વસુલાત કરવાની કાર્યવાહી અધિકારીગણ કરી રહેલ હોય તો તાત્કાલિક અસરથી બંધ કરાવવી જોઈએ…

આમ છતાં પ્રમાણિત નોંધોમાં હાલની નોંધોનો નિકાલ કરવાના સમયે વરસો જુની હક્કપત્રકની નોંધની વિગતે સ્ટેમ્પ ડયુટી વસુલવાની થાય છે કેમ તે ખેડૂતોના હિતમાં રેવન્યુ અધિકારીગણે કોર્ટ પાસેથી ગાઇડલાઇન મેળવ્યા બાદ જ કોર્ટની ગાઇડલાઇન અનુસાર વરસો પહેલાની જમીનની નોંધોમાં સ્ટેમ્પ ડયુટીની રકમ વસુલવી જરૂરી હોય તો જ વસુલવી જોઇએ…
