ટુર્નામેન્ટમાં આઠ ટીમો: ફાઈનલમાં ભારે રસાકસી જોવા મળી
બેસ્ટ બોલર રાજ રાણા, બેસ્ટ બેટસમેન એ ડીવીઝન પી.આઈ હકુમતસિંહ જાડેજા બન્યા
મોરબી જિલ્લા પોલીસવડા માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા સાદુંળકા ગામ નજીક પોલીસ ટીમો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીઓમાં ખેલદિલીની ભાવના વધે અને કર્મચારીઓમાં આત્મીયતા કેળવાય તેવા હેતુથી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં મોરબી જીલ્લા પોલીસની આઠ ટીમોએ ભાગ લીધો હતો. તે ઉપરાંત પત્રકાર, ડોક્ટર અને રેવન્યુની ટીમોની 2 ફ્રેન્ડલી મેચ પણ યોજવામાં આવી હતી. ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારે રસાકસી જોવા મળી હતી. ફાઈનલ મેચ વાંકાનેર સીટી-તાલુકા ઈલેવન અને મોરબી સીટી એ ડીવીઝન વચ્ચે જંગ જામ્યો હતો. જે મેચમાં બંને ટીમોએ એડી ચોટીનું જોર લગાડ્યું હતું અને છેલ્લે વાંકાનેર સીટી-તાલુકાની સંયુક્ત ટીમે બાજી મારી હતી.
આ આયોજિત ટુર્નામેન્ટ પૂર્ણ થતા વિજેતા ટીમને ટ્રોફી ઉપરાંત બેસ્ટ બોલરનું ઇનામ રાજ રાણા, બેસ્ટ બેટસમેન એ ડીવીઝન પી.આઈ હકુમતસિંહ જાડેજા બન્યા હતા. જે તમામ વિજેતાઓને ડી.વાય.એસ.પી. પી.એ. ઝાલાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તો આયોજન બદલ એ-ડીવીઝનના પોલીસ કર્મચારી, અમ્પ્યાર અને સ્કોર સહિતના તમામ લોકોને પણ મેડલ આપવામાં આવ્યા હતા.