ગાયનેક હોસ્પિટલોમાં પ્રસૂતા ‘ગ્રાહક’ બની
નાણાં ખંખેરવા કરવામાં આવે છે બિનજરૂરી સિઝેરિયન ઓપરેશન
ગર્ભવતી મહિલાઓની જીંદગી સામે રમત રમાઈ રહી છે
ખ્યાતિ કાંડ બાદ ગુજરાતમાં ખાનગી હોસ્પિટલોમાં ચાલતા એક પછી એક કરતૂતનો ખુલાસો થઈ રહ્યો છે. ભગવાન સમાન ડૉકટરો હવે શંકાના ઘેરામા છે. ગરીબ દર્દીઓની સેવા કરવાને બદલે માત્રને માત્ર નાણાં કમાવવામાં રસ દાખવતા ડૉકટરો પર ચારેકોરથી ફિટકાર વરસી છે.
નાણાં ખંખેરવા કરવામાં આવે છે બિનજરૂરી સિઝેરિયન ઓપરેશન
હવે એ વાત પણ સામે આવી છે કે, ગુજરાતમાં કેટલીય ખાનગી હોસ્પિટલોમાં ગર્ભવતી મહિલાઓની જીંદગી સામે રમત રમાઈ રહી છે.
નોર્મલ ડિલિવરી થઈ શકતી હોય તેમ છતાં કોઈને કોઈ કારણ ધરી માત્ર નાણાં ખંખેરવાના આશયથી પ્રસૂતાનું સિઝેરિયન ઓપરેશન કરી દેવામાં આવે છે. ગુજરાતમાં ગાયનેકોલોજીસ્ટ પણ નૈતિકતાને નેવે મૂકીને ધુમ પ્રેકટીસ કરી રહ્યાં છે.
માતા બનવું એ સ્ત્રીના જીવનની એક સોનેરી પળ સમાન હોય છે. આ એવી અવસ્થા હોય છે કે, બાળકના જન્મની ઉત્સુકતામાં પ્રસુતા ખુદ પ્રસુતિ પીડા પણ ભૂલી જાય છે. સામાન્ય રીતે ગાયનેકોલોજીસ્ટ જ સલાહ આપતાં હોય છે કે, નોર્મલ ડીલીવરી જ કરવી જોઈએ. બાળકને જન્મ આપવાની કુદરતી પ્રક્રિયા સૌથી શ્રેષ્ઠ છે. બાળકના આ જન્મને જ સુરક્ષિત મનાય છે.
અભણ-પછાત મહિલાઓની અજાણતાનો ભરપૂર લાભ ઉઠાવવામાં આવે છે
કેટલાંય ગાયનેક હાઉસમાં અભણ-પછાત અને આદિવાસી મહિલાઓની અજાણતાનો ભરપૂર લાભ ઉઠાવી રહ્યાં છે. નોર્મલ ડીલીવરી થાય તો રૂ.25-50 હજાર સુધીનો ખર્ચ થાય છે પણ વધુ નાણાં કમાવવાની લ્હાયમાં ગાયનેકોલોજીસ્ટ નૈતિકતાને નેવે મૂકી ઐનિતક પ્રેકટીસ કરી રહ્યાં છે.
સિઝેરિયન ઓપરેશનમાં વધુ લોહી વહી જવાની સંભાવના
અજાણ-અભણ ગર્ભવતી મહિલાના પરિવારજનનો ડરના માર્યા નાછૂટકે સિઝેરિયન ઓપરેશન કરવા તૈયાર થઈ જાય છે. એટલુ જ નહીં, સિઝેરિયન ઓપરેશન માટે એક લાખ સુધીનો ખર્ચ કરવો પડે છે. વધુ પૈસા મેળવવા આ રીતે આખોય ખેલ ખેલવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં સિઝેરિયન ઓપરેશનમાં વધુ લોહી વહી જવાની સંભાવના છે.
સિઝેરિયન ઓપરેશનના કારણે વધુ દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે
બ્રેસ્ટ ફિડીંગની પ્રક્રિયા પણ ધીમી પડી જાય છે. આવા ભયસ્થાન હોવા છતાં ગાયનેકોલોજીસ્ટ ગર્ભવતી મહિલાઓને આ બધી વાતથી અવગત કરાવવાને બદલે અજાણ રાખે છે. સિઝેરિયન ઓપરેશનમાં વધુ પીડા સહન કરવી પડે છે. સાથે સાથે હોસ્પિટલમાં વધુ દિવસ રહેવું પડે છે.
ગુજરાતમાં ગાયનેક હોસ્પિટલમાં પ્રસૃતાઓ ગ્રાહક સમાન
શહેરોની સરખામણીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગાયનેક હાઉસમાં સિઝેરિયનનું પ્રમાણ વધુ છે તેવુ જાણવા મળ્યુ છે. જો રાજ્ય આરોગ્ય વિભાગ શંકાસ્પદ ગાયનેક હોસ્પિટલોમાં સિઝેરિયન કેસોની તપાસ કરે તો ખ્યાતિકાંડ જેવું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. અત્યારે તો ગુજરાતમાં ગાયનેક હોસ્પિટલમાં પ્રસૃતાઓ ગ્રાહક સમાન છે.
સૌજન્ય: જીએસટીવી