સ્વ.શ્રી દલીચંદભાઈ કરશનજી શાહ, સ્વ. જયાલક્ષ્મીબેન દલીચંદભાઈ શાહ તથા સ્વ. પુજાબેન (પ્રવિણાબેન) હરીશભાઈ શાહની પુણ્ય સ્મૃતિમાં આર્થિક સહાય કરાઈ
આસપાસમાં કોઈ નિરાધાર કે નિઃસહાય, પથારીવશ વ્યકિતઓ (કોઈપણ ઉંમરનાં) જોવા મળે તો તેમને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) સુધી પહોંચાડવા જાહેર વિનંતી કરાઈ છે
સદભાવના વૃધ્ધાશ્રમને મુળ ગામ વાંકાનેર હાલ લંડન નિવાસી હરીશભાઈ દલીચંદભાઈ શાહ, જયેશભાઈ દલીચંદભાઈ શાહ, દિપકભાઈ દલીચંદભાઈ શાહ, સંજયભાઈ દલીચંદભાઈ શાહ દ્વારા તેમના પિતાશ્રી સ્વ.શ્રી દલીચંદભાઈ કરશનજી શાહ તથા માતુશ્રી સ્વ. જયાલક્ષ્મીબેન દલીચંદભાઈ શાહ તથા હરીશભાઈ શાહનાં ધર્મપત્ની સ્વ. પુજાબેન (પ્રવિણાબેન) હરીશભાઈ શાહની પુણ્ય સ્મૃતિમાં રકમ રૂા. ૧૧,૦૦,૦૦૦/– નું માતબર દાન અપાયું છે. હરીશભાઈ દલીચંદભાઈ શાહ પરીવારનું સદભાવના વૃધ્ધાશ્રમ પરીવાર વતી ધીરૂભાઈ કાનાબારે ઋણ સ્વીકાર કર્યું હતું.
માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી સદ્ભાવના વૃધ્ધાશ્રમ ચલાવવામાં આવે છે. આ વૃધ્ધાશ્રમમાં નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના જરૂરીયાતવાળા વૃધ્ધોને, નિયમાનુસાર અને સંસ્થાની પ્રવેશ મર્યાદામાં, આદરભેર દાખલ કરી તમામ સુવિધાઓ વિનામુલ્યે આપવામાં આવે છે. વૃધ્ધાશ્રમમાં દાખલ થતા જરૂરીયાતમંદ વૃધ્ધો/વ્યકિતઓ પાસેથી કોઈપણ ફી, ચાર્જ કે લવાજમ લેવામાં આવતુ નથી. તમામ સુવિધાઓ વડીલોને વિનામુલ્યે આપવામાં આવે છે.
ગુજરાતના સૌથી મોટા આ વૃધ્ધાશ્રમમાં હાલ ૫૫૦ જેટલા માવતરો પોતાની પાછોતરી જીંદગીની ટાઢક લઈ રહયાં છે. તેમાંથી ૧૮૦ વડીલો સાવ પથારીવશ (ડાઈપરવાળા) વ્યકિતઓ (કોઈપણ ઉંમરના) કે જેની સેવા ચાકરી કરવાવાળુ પણ કોઈ ન હોય, એકલવાયી–નિરાધાર હાલ તેમાં પોતાનુ જિવન વ્યતિત કરતા હોય કે પોતાની પીડાને લઈને દરરોજ મૃત્યુ વહેલુ આવે તેવી કમનસીબ પ્રાર્થના કરતા હોય તેવા વ્યકિતઓ (કોઈપણ ઉમરના) માટે સદભાવના વૃધ્ધાશ્રમમાં વિશેષ વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. આવા પથારીવશ વ્યકિતઓ (કોઈપણ ઉમરના)ને પણ સદભાવના વૃધ્ધાશ્રમ પોતાની ફરજના ભાગરૂપે નિઃશુલ્ક આશ્રય અપાઈ રહયો છે. યથાશકિત સેવા કરાઈ રહી છે.
પોતાની આસપાસમાં કોઈ નિરાધાર કે નિઃસહાય, પથારીવશ વ્યકિતઓ (કોઈપણ ઉંમરનાં) જોવા મળે તો તેમને સદભાવના વૃધ્ધાશ્રમ (રાજકોટ) સુધી પહોંચાડવા જાહેર વિનંતી કરાઈ છે. વિશેષ માહિતી માટે સદભાવના વૃધ્ધાશ્રમ, ‘પીપળીયા ભવન’ સદભાવના વૃધ્ધાશ્રમ સ્વામીનારાયણ ગુરૂકુળ સામે, ગોંડલ રોડ ફાટક પાસે, ઓવરબ્રીઝની નીચે, ડી–માર્ટ વાળી શેરી, રાજકોટ મો. ૮૦૦૦૨ ૮૮૮૮૮ ઉપર સંપર્ક કરવા માનવ સેવા ટ્રસ્ટ(સદભાવના વૃધ્ધાશ્રમ)ના પ્રમુખ વિજયભાઈ ડોબરીયાની યાદીમાં જણાવાયું છે.