કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ડો. રિયાઝ કડીવાર કે જેના નામ પરથી રાજસ્થાનના સિંહનું નામ પડેલ છે

સિંહનાં આ ડોકટરની સેવા રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મધ્ય પ્રદેશની સરકારે પણ મેળવેલ છે

વાંકાનેરનું ગૌરવ અને કડીવાર કુટુંબના આ હીરોએ ગાંધીનગરના સચિવાલયમાં તથા ચોટીલાની કોર્ટમાં આવી ચડેલ દિપડાનું રેસ્કયુ કરેલ
પીપળીયારાજ ગામના વતની અને સિંહનાં ડોકટર તરીકે પ્રખ્યાત રિયાઝએહમદ એફ. કડીવારે કોબ્રા, ખડચિત્તળો, મગર, ઘામણ, અજગર વિગેરેની સર્જરી કરેલ છે
આજે ભારતભરમાં સિંહનાં ડોકટર તરીકે નાની ઉંમરમાં ખ્યાતિ મેળવેલ છે. જેના નામ ઉપરથી સિંહનું નામ પાડીને માન આપવામાં આવે, તેવી ઝળહળતી સિધ્ધી મેળવનાર ડો.  રિયાઝએહમદ એફ. કડીવારે સમગ્ર વાંકાનેર તાલુકાને ગૌરવ અપાવેલ છે. વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામના વતની ડો. કડીવારનો આજે પરિચય જાણીએ. 
ડો. રિયાઝે પ્રાથમિક માધ્યમિક શિક્ષણ તથા કરી ઉચ્ચ ડિગ્રી મેળવવા સીંધાવદર ખાતે અને ઉચ્ચ માધ્યમિક અને પશુચિકિત્સા અંગેની સ્નાતક ડિગ્રી આણંદ ખાતેથી ૨૦૦૨ માં પ્રાપ્ત કરેલ. વેટરનરીની ડિગ્રીમાં તેઓ સમગ્ર આણંદ ખાતેની કોલેજમાં બીજા નંબરે પાસ કરી ઉચ્ચ શિક્ષણ મેળવવા દાંતિવાડા ખાતેની વેટરનરી કોલેજમાં એડમીશન ૨૦૦૨માં લઇ ૨૦૦૪માં વેટરનરી ફાર્માકોલોજી અને ટોકસીકોલોજી વિષયમાં અનુસ્નાતક થયેલ. ત્યાર બાદ તેઓ ૨૦૦૬માં જુનાગઢ ખાતેનાં સકકરબાગ ઝુમાં વેટરનરી ઓફિસર તરીકે જોડાયેલ. 

શરૂઆતમાં એડહોક ધોરણે જોડાયા બાદ વર્ષ ૨૦૧૦ દરમ્યાનની કલાસ-૨ ની જીપીએસસી પાસ કરેલ. તેઓને વાઇલ્ડ લાઇફમાં શરૂઆતથી જ ખૂબ જ રસ હોઇ આ જ વિષયમાં મહારત હાંસલ કરવા ખૂબ જ મહેનત કરેલ. 

વાઇલ્ડ લાઇડમાં વધુ નિપુણતા હાંસલ કરવા તેઓએ દેશ-વિદેશમાં ઘણી બધી ટ્રેનીંગ પણ લીધેલ છે. ૨૦૦૯માં તેઓએ ખાસ ચિત્તા (આફ્રિકન) વિશેની ટ્રેનીંગ જહોનીસબર્ગ ખાતે સાઉથ આફ્રિકામાં લીધેલ. ત્યાર બાદ ઝુ માં ચિત્તા લાવવામાં આવેલ, પરંતુ વાતાવરણના ફેરફારના કારણે ચારેય ચિત્તા ગંભીર બિમાર પડતા તેઓએ એક માસ સુધી રાત-દિવસ સઘન સારવાર કરી ચિત્તાને બચાવેલ. બિમારી દરમ્યાન ચિત્તાના લેબોરેટરી રિપોર્ટ આફ્રિકાનાં અનુભવી ડોકટરને બતાવતા તેઓએ આ ચિત્તા લાંબુ નહિં જીવે, તેવું કહેલ, પરંતુ ડો. રિયાઝ કડીવારે હિંમત નહિં હારતા રાત-દિવસ સારવાર કરી ચારેય ચિત્તાને બચાવેલ. ઈન્ડિયામાં અગાઉ લાવવામાં આવેલ ચિત્તાઓ છ માસથી વધારે જીવતા નહોતા. પરંતુ ડો. કડીવારની મહેનતથી આ ચિત્તા ૯ વર્ષથી પણ વધુ જીવેલ અને વૃધ્ધાવસ્થાને કારણે જ મૃત્યુ પામેલ. 

૨૦૦૬ પહેલા ભારતનાં બધા ઝુ માં રાખવામાં આવતા બીલાડી મૂળનાં વન્યપ્રાણીઓ જેવા કે વાઘ, દિપડા, સિંહ વગેરેને જ્યારે તેની માતા ત્યજી દે ત્યારે બકરી કે ગાયનું દૂધ પિવડાવવામાં આવતું. જે બચ્ચાઓનાં થોડા જ દિવસો દરમ્યાન આવા ત્યજેલ બચ્ચાંઓનું મૃત્યુ થતું અને ફકત ૩ થી ૪ ટકા બચ્ચાઓ જ મોટા થતા. ૨૦૦૭માં ડો. કડીવારે રિસર્ચ કરી જાણેલ કે ઉપરોકત બચ્ચાઓને બકરી કે ગાયનાં દૂધમાંથી જરૂરી પોષણ ન મળે, તેથી તેઓએ તેની સ્પેશ્યલ મિલ્ક ફોર્મ્યુલા જાતે તૈયાર કરેલ અને ઘણા બધા બચ્ચાઓમાં ટ્રાયલ કરેલ. ભારતનાં અન્ય ઝુ માં ઉપરોકત મિલ્ક ફોર્મ્યુલા શરૂ કરાવેલ. જેનાં લીધે બચ્ચાનો સર્વાંઇલ રેટ ૩ થી ૪ ટકા હતો, તે વધીને ૭૦ થી ૭૫ ટકા જેટલો નોંધાયેલ. 

આ ઉપરાંત ડો. કડીવારે સિંહ-દિપડાનાં નાના બચ્ચાની કૃત્રિમ ઉછેર અંગેની હસ્બન્ડરી કેર અંગેનો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ પણ બનાવી ભારતનાં તમામ ઝુ ને આપેલ. 

0 ડો. કડીવારે વન્યપ્રાણીની જુદી જુદી ૧૦૦ થી પણ વધારે પ્રજાતિ પર નોંધપાત્ર કામ કરેલ છે તથા સારવાર કરેલ છે.

0 ડો. કડીવારે વલ્ચર (ગીધ) સંરક્ષણ પર પણ નોંધપાત્ર રિસર્ચ કરેલ છે. જેના કારણે આજે સકકરબાગ ઝુ ભારતમાં બીજા નંબરનું ગીધ સંરક્ષણમાં સફળતા મેળવનાર ઝુ છે. તેઓએ કૃત્રિમ નેસ્ટ (માળો) તથા ગીધનાં ઇંડાનું કૃત્રિમ ઇન્કયુબેશન (સેવન) સફળતાપૂર્વક કરેલ છે. હાલમાં ભારતમાં પ્રથમ શાહમૃગનાં ઈંડાનું કૃત્રિમ સેવન સફળતાપૂર્વક કરાવેલ છે. આ ઉપરાંત ઘણા બધા એન્હેન્ઝર્ડ પ્રજાતિનાં પક્ષીઓનાં ઈંડાનું કૃત્રિમ સેવન કરેલ છે, જેવા કે કાલીજ હિઝન્ટ, રેડ જંગલ કાઉલ, ગોલ્ડન હિઝન્ટ વિગેરે. 

૦ વરૂ (નાર) હાલમાં ભારતમાં ખૂબ જ ઓછી સંખ્યામાં હોય ડો. કડીવાર સકકરબાગ ઝુ ખાતે વરૂનું બ્રિડીંગ સેન્ટર પણ ચલાવે છે. પ્રેગ્નન્ટ વરૂ (માદા)ને કૃત્રિમ ડેન (ગુહા) તથા ખોરાકમાં જરૂરી ફેરફાર કરી તેનું સફળતાપૂર્વક બ્રિડીંગ કરે છે. 

0 ડો. કડીવાર સરિસૃપમાં પણ સારૂં એવું જ્ઞાન ધરાવે છે. તેઓએ ઘણા બધા ઝેરી-બિન ઝેરી સરિસૃપો જેવા કે કોબ્રા, ખડચિત્તળો, મગર, ઘામણ, અજગર વિગેરેની સર્જરી કરેલ છે. 

0 એશિયાઇ સિંહમાં તો તેઓ ભારતભરમાં સૌથી અનુભવી ડોકટર તરીકેની છાપ ધરાવે છે, જેથી લગભગ ભારતનાં કોઇ પણ ઝુમાં સિંહને કોઇ પણ તકલીફ હોય, તેઓનો સંપર્ક અચૂક કરવામાં આવે છે. જરૂર જણાયે તેઓને સારવાર માટે પણ બોલાવવામાં આવે છે. 

0 ડો. કડીવાર ૨૦૧૪ થી ૨૦૧૬ સુધી સતત બે વર્ષ માટે લાયન સફારી, ઇટાવા (ઉત્તરપ્રદેશ) ખાતે વારંવાર સારવાર માટે ગયેલ તથા એક બે દિવસનાં સિંહનાં બચ્ચાને ફેફસામાં ઈન્ફેકશન હોય તેને ઓકસીજન પર રાખી સતત બે દિવસની સારવાર બાદ બચાવી લીધેલ. 

0 ૨૦૧૬મા જોધપુર (રાજસ્થાન) ઝુ ખાતે સિંહણે ત્રણ બચ્ચાને જન્મ આપેલ, પરંતુ સિંહણે તેનાં બચ્ચાને દૂધ ન પીવડાવેલ અને સંભાળ નહિં રાખેલ. જેથી બે બચ્ચાનાં મૃત્યુ થયેલ. ત્યાર બાદ ઝુ નાં અધિકારીઓ દ્વારા ડો. કડીવારને સારવાર માટે બોલાવેલ. ડો. કડીવારે તાત્કાલિક ૧૮ કલાકમાં જોધપુર પહોંચીને બચેલ એક બચ્ચાને કે જે ગંભીર રીતે બિમાર અને પેશાબમાં લોહી આવતું હતું, તેની સારવાર કરી બચાવી લીધેલ. આથી જોધપુ૨ ઝુ ના અધિકારીઓએ બાદમાં ડો. રિયાઝનાં નામ પરથી સિંહને ‘રિયાઝ’ નામ આપ્યું. 

0 ૨૦૧૭ દરમ્યાન મીની ઝુ પીપલી (હરિયાણા) ખાતે સિંહણે ૩ બચ્ચાને જન્મ આપ્યા પછી જોધપુર ઝુ ની જેમ જ બચ્ચાને દૂધ પિવડાવેલ નહિં કે સંભાળ રાખેલ નહિં. જેથી ડો. કડીવારનો સંપર્ક કરતા તેઓએ મિલ્ક ફોર્મ્યુલા મોકલાવેલ તથા દરરોજ ત્યાંનાં ડોકટર સાથે ચર્ચા કરી જરૂરી તમામ તકેદારી અંગેની માહિતી પૂરી પાડેલ. જેથી પીપલી ઝુ ખાતેનાં ત્રણેય બચ્ચા બચી ગયેલ. 

0 ડો. કડીવારે મધ્યપ્રદેશનાં બાંધવગઢ નેશનલ પાર્કમાં બે વાઘનાં બચ્ચા ૨૦૧૬ દરમ્યાન અનાથ મળી આવતા ત્યાંના ડોકટરને જુનાગઢથી મિલ્ક ફોર્મ્યુલા મોકલાવેલ તથા જરૂરી તમામ સૂચના આપેલ, જે અન્વયે તે વાઘનાં બચ્ચા પણ બચી ગયેલ. 

૦ આ ઉપરાંત ડો. કડીવાર વન્યપ્રાણી રેસ્કયુમાં પણ નિષ્ણાંત છે. તેઓએ હાલ સુધીમાં ૩૦૦ થી વધુ દિપડા, ૧૦૦ થી વધુ સિંહોને દિપડા, ૧૦૦ થી વધુ સિંહોને માનવ વસાહત કે જંગલભાગમાંથી રેસ્કયુ કરી સારવાર કરેલ છે. 

0 ૨૦૧૮મા ગાંધીનગરના સચિવાલયમાં તથા ચોટીલાની કોર્ટમાં આવી ચડેલ દિપડાને પણ તેઓએ જ ગનથી બેભાન કરી સફળતાથી રેસ્કયુ કરેલ.  

0 વર્ષ ૨૦૧૯ના જાન્યુઆરીમાં મૈસુર ઝુ ખાતે સિંહણ ગંભીર બિમાર થતા ડો. કડીવાર તાત્કાલિક સારવાર કરવા પણ ગયેલ. બે દિવસ સારવાર કરી ત્યાંના ડોકટરોને માર્ગદર્શન પૂરું પાડેલ હતું. 

તેઓ મૂળ વાંકાનેર તાલુકાના પીપળિયારાજના વતની છે, એમના મોટાભાઈ ડો. ઈમ્તિયાઝ કડીવાર હાલમાં અમરસર ફાટક પાસે ‘પશુ સારવાર કેન્દ્ર’ના નામથી પશુઓની સારવાર કરવામાં કાર્યરત છે.  

સિંહનાં આ ડોકટર રિયાઝ કડીવારનું ઉજજવળ ભવિષ્ય ઇચ્છીએ. 

આ લેખ આપના ગ્રુપમાં share કરવા વિનંતી
વાંકાનેર તાલુકાના ઐતિહાસિક અને અન્ય લેખો વાંચવા કમલ સુવાસ ન્યુઝમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!