વ્હોરા સમાજમાં રૂહાની આનંદ
વિવિધ ગામોમાં દિદાર આપશે
વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ છે
તા.19ના બુધવારે જામનગરથી ધર્મયાત્રાનો પ્રારંભ
રાજકોટ: વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ, સર્વોચ્ચ ધર્મગુરૂ સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફ્દલ સૈફુદીન (ત.ઉ.શ.) સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા હોવાના સમાચારથી સૌરાષ્ટ્રભરમાં વસતા દાઉદી વ્હોરા સમાજમાં હરખની રેલી જોવા મળી રહી છે.
માનવતાવાદી ડો.સૈયદના સાહેબ લાંબા સમય પછી સૌરાષ્ટ્રની યાત્રા પર પધારી રહ્યા છે. સંભવત આગામી તા.19ના સૌરાષ્ટ્રના પ્રવાસે આવનાર છે. ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.) જૈફ વયે હોવા છતાં તેમના અનુયાયીઓને મળવા માટે દેશ-દેશાવરનો પ્રવાસ કરે છે. તાજેતરમાં તેઓશ્રીએ ઈરાક દેશના કરબલા શહેરોની ધર્મયાત્રા કરી હતી અને હાલ ખંડાલામાં છે.
ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની ધર્મયાત્રાના કાર્યક્રમ અનુસાર તા.19મીના બુધવારે પ્લેન દ્વારા પ્રથમ જામનગર આવશે ત્યાંથી મોટરકાર દ્વારા વાંકાનેર, સાયલા, લીંબડી, ચુડા, રાણપુર, વિંછીયા, બોટાદ, દામનગર, લાઠી, ચિતલ, અમરેલી, બાબરા, ચોટીલા થઈને રાજકોટ હીરાસર એરપોર્ટથી મુંબઈ પરત ફરશે.
ડો.સૈયદના સાહેબનો હાલ આ પ્રકારનો કાર્યક્રમ મુકરર થયો છે તેમાં છેલ્લી ઘડીના ફેરફારની શકયતા નકારી શકાતી નથી. અત્રે નોંધનીય છે કે 20 ઓગષ્ટ 1946માં જન્મેલા ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની ધાર્મિક અને માનવતાલક્ષી કામગીરીના કારણે તેમને અત્યાર સુધીમાં અનેક દેશ-દુનિયામાંથી સરકાર દ્વારા એવોર્ડ પ્રાપ્ત થયા છે.
ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.) તા.27 નવે.ના રાજકોટ હીરાસર એરપોર્ટથી મુંબઈ જવા રવાના થશે. સૌરાષ્ટ્રમાં વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો.સૈયદના સાહેબ આ પહેલા 2023 ઓકટોબરમાં આવેલા ત્યારે રાજકોટમાં દર્શન આપ્યા હતા. ડો.સૈયદના સાહેબના આગામી સૌરાષ્ટ્રના પ્રવાસથી દાઉદી વ્હોરા સમાજમાં રૂહાની આનંદ છવાયો જોવા મળી રહ્યો છે.