સ્થાનિકોએ વાંકાનેર પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરી
વાંકાનેર શહેરની ગુલાબનગર સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા હોવાથી વિસ્તારમાં રહેતા ૧૧૦ પરિવારોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક રહીશો દ્વારા પીવાના પાણીના પ્રશ્ને વાંકાનેર પ્રાંત અધિકારી, મામલતદાર, વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર અને ચીફ ઓફિસરને રજૂઆત કરી છે.
વાંકાનેરના રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર સોસાયટીના રહીશોએ રજૂઆત કરી જણાવ્યું છે કે સોસાયટીમાં આશરે ૧૧૦ મકાનોમાં વર્ષોથી પરિવારો વસવાટ કરે છે. આ સોસાયટી હાલ ઓ.જી. વિસ્તાર તરીકે આવેલ છે. સોસાયટીને હજુ પીવાના પાણીની સુવિધા આપવામાં આવી નથી. ગુજરાત સરકાર નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત પૂર્ણ કરવા સારું કામ કરી રહી છે, પરંતુ ગુલાબનગર સોસાયટીને પાણી આપવામાં આવતું નથી. ધોમધખતા ઉનાળામાં પાણી વિના રહીશો હેરાન થઇ રહ્યા છે. આમ હાલ ઉનાળામાં પાણીની તાતી જરૂરિયાત હોય જેથી ગુલાબનગર સોસાયટીના રહીશોને પીવાના પાણીની વ્યવસ્થા કરી આપવા માંગ કરી છે. તાત્કાલિક પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવા અરજ કરવામાં આવી છે.